સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ

October 02, 2026

સુરત - રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ(2 ઓક્ટોબર)ના પાવન પ્રસંગે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી બાપુને યાદ કરવામાં આવ્યા હતા. જોકે, સુરત ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સુરતના લોકસભા સાંસદ મુકેશ દલાલે કરેલા નિવેદનને કારણે નવો વિવાદ ઊભો થયો છે. ગાંધી જયંતીના દિવસે જ સાંસદે મહાત્મા ગાંધીની 'જન્મજયંતિ'ને બદલે 'પુણ્યતિથિ' કહી દેતાં તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે અને લોકોમાં તેમની આ ભૂલ અંગે ભારે ટીકાઓ થઈ રહી છે.
2 ઓક્ટોબરે ગાંધી જયંતી નિમિત્તે સુરતના ઐતિહાસિક ગાંધી બાગ ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સુરતના સાંસદ મુકેશ દલાલ પણ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા પહોંચ્યા હતા. પૂજ્ય બાપુની પ્રતિમા પાસે જ ઉભા રહીને મીડિયાને સંબોધિત કરતી વખતે તેમણે ગાંધી જયંતીને જ જન્મજયંતિના બદલે પુણ્યતિથિ ગણાવી દીધી હતી અને 'બાપુને શ્રદ્ધાંજલિ આપું છું' તેવું નિવેદન આપ્યું હતું.
ગાંધી બાગ ખાતે બનેલી આ ઘટનાનો વીડિયો ક્ષણવારમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. જાહેરમાં એક જવાબદાર સાંસદ દ્વારા રાષ્ટ્રપિતાના જન્મદિવસે જ આવી ગંભીર ભૂલ કરવામાં આવતાં નેટીઝન્સ અને વિપક્ષ દ્વારા તેમની આકરી ટીકા કરવામાં આવી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરીને "સુરતના સાંસદનું જ્ઞાન જુઓ" જેવા કટાક્ષ કરી રહ્યા છે.