'વીર સાવરકર' એવોર્ડની જાહેરાત પર ભડક્યાં શશી થરુર, કહ્યું - જાણ વિના કેવી રીતે આપ્યો

December 10, 2025

કોંગ્રેસ સાંસદ શશી થરૂરને એક સ્વયંસેવી સમૂહ HRDS ઇન્ડિયાએ 'વીર સાવરકર ઇન્ટરનેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ 2025' એનાયત કરવાની જાહેરાત કરી છે. પરંતુ, થરૂરે આ એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. કુલ 6 લોકોને આ એવોર્ડ માટે નૉમિનેટ કરવામાં આવ્યા છે.  શશી થરૂરે તિરૂવનંતપુરમમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, મને મીડિયા રિપોર્ટ દ્વારા જાણ થઈ કે, દિલ્હીમાં પ્રસ્તુત કરવામાં આવેલા આ પુરસ્કાર માટે મને નોમિનેટ કરવામાં આવ્યો છે. મને આ જાહેરાત વિશે ગઈકાલે જાણ થઈ, જ્યારે હું સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કેરળમાં હતો. મને પુરસ્કાર વિશે ન તો જણાવવામાં આવ્યું હતું અને ન તો મેં તેનો સ્વીકાર કર્યો છે. મારી મંજૂરી વિના નામ જાહેર કરનાર આયોજકો ખૂબ ગેર-જવાબદાર છે.  
નોંધનીય છે કે, પુરસ્કાર સમારોહ બુધવારે (10 ડિસેમ્બર) નવી દિલ્હીમાં NDMC કન્વેન્શન હૉલમાં યોજાવાનો છે, જ્યાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.  શશી થરૂરે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, પુરસ્કાર રજૂ કરનાર સંગઠન અથવા તેના સંદર્ભ વિશે કોઈપણ જાણકારી વિના, આ કાર્યક્રમમાં સામેલ થવું અથવા પુરસ્કારનો સ્વીકાર કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો.