'સુંદર ચહેરો અને મશીન ગન જેવા હોઠ...' 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી અંગે ટ્રમ્પની જીભ લપસી

December 10, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે પેન્સિલવેનિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે મંચ પરથી પોતાના આર્થિક એજન્ડાનો પ્રચાર કરવાનો હતો. આ એક મોટો અવસર હતો કારણ કે રેલીના એક દિવસ પહેલા જ તેમણે અમેરિકન ખેડૂતો માટે 12 અબજ ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી હતી. સમગ્ર અમેરિકન જનતા પોતાના પ્રમુખનું ભાષણ સાંભળી રહી હતી. પરંતુ અહીં ફરી એક વાર ટ્રમ્પની જીભ લપસી ગઈ. 79 વર્ષીય પ્રમુખે પોતાના ભાષણ દરમિયાન 28 વર્ષીય વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના 'સુંદર ચહેરો' અને 'હોઠ'ના ભરપેટ વખાણ કર્યા.

ટ્રમ્પ પેન્સિલવેનિયાની આ રેલીમાં પોતાની સરકારની આર્થિક સફળતાઓ પર ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેઓ મુદ્દા પરથી ભટકી ગયા અને જોર-જોરથી કહેવા લાગ્યા મારી 28 વર્ષીય પ્રેસ સેક્રેટરી કેટલી ગ્રેટ છે. ટ્રમ્પે ઉત્સાહી ભીડને કહ્યું કે, 'આજે અમે અમારી સુપરસ્ટાર કેરોલિનને પણ લઈને આવ્યા છે. શું તે ગ્રેટ નથી?'