દેશની બેન્કિંગ સિસ્ટમમાં 40 મહિનામાં પહેલી વખત રોકડની અછત, રિઝર્વ બેન્કે કરી કાર્યવાહી

September 21, 2022

નવી દિલ્હી : મોંઘવારીને કાબૂમાં રાખવા માટે લેવાયેલા નિર્ણયોના પગલે 40 મહિનામાં પહેલી વખત દેશની બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછત જોવા મળી રહી છે.

જેના પગલે રિઝર્વ બેન્કને સિસ્ટમમાં 21800 કરોડ રૂપિયા કેશ નાંખવા પડયા છે. મે 2019 પછી આવી સ્થિતિ પહેલી વકત સર્જાઈ છે.

4 મેના રોજ રિઝર્વ બેન્કે મોંઘવારી પર લગામ કસવા માટે કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર 50 બેઝીઝ પોઈન્ટ વધારવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય 21 મેના રોજ લાગુ થયો હતોજેના પગલે બેન્કિંગ સિસ્ટમમાં ફરતા 90000 કરોડ રૂપિયાની વધારાની કેશમાં કમી સર્જાઈ હતી.

મોંઘવારી વધવા પાછળનુ એક કારણ બજારમાં ફરી રહેલી વધારે પડતી રોકડ રકમને પણ માનવામાં આવે છે. જેના પગલે સીઆરઆર વધારીને 4.50 ટકા કરી દેવામાં આવ્યો હતો. જેનો મતલબ એ હતો કે, બેન્કોએ કુલ જમા રકમની 4.50 ટકા રકમ રિઝર્વ બેન્કમાં જમા કરાવવાની હતી.

જોકે તેના કારણે વધારાની રોકડ ઘટી ગઈ હતી. હવે રોકડની અછત દુર કરવા રિઝર્વ બેન્કે 21500 કરોડ રૂપિયા સિસ્ટમમાં ફરી નાંખ્યા છે.