EDની રડાર પર AAPના નેતા : મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ

July 18, 2025

દિલ્હી- દિલ્હીમાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો સતત ઘેરા બની રહ્યા છે. ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા ઈડીની રડારમાં આવ્યા છે. ઈડીએ દિલ્હીમાં AAPની સરકારમાં ત્રણ મોટા કૌભાંડ થયો હોવાનો દાવો કર્યો છે. પ્રાથમિક તપાસમાં ઈડીએ દાવો કર્યો છે કે, આપની સરકાર હતી ત્યારે દિલ્હીમાં હોસ્પિટલ નિર્માણ, સીસીટીવી પ્રોજેક્ટ અને શેલ્ટર હોમમાં નાણાકીય ગેરરીતિઓ થઈ હતી. આ મામલે ઈડીએ મની લોન્ડરિંગના ત્રણ કેસ નોંધ્યા છે. ઈડીએ એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફોર્મેશન રિપોર્ટ પણ નોંધ્યો છે. 
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ ઈડી દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓ પર કેસ દાખલ કરવા પર કહ્યું કે, ભાજપે તપાસ એજન્સીઓનો દુરૂપયોગ કરવાનું ફરી શરૂ કરી દીધું છે. આપના નેતાઓ પર ખોટા કેસ દાખલ કરવાનું શરૂ કરી દીધું છે. આ બધુ ગુજરાતના વિસાવદરમાં આવેલા ચૂંટણી પરિણામોના કારણે થઈ રહ્યું છે. અહીં ભાજપના તમામ પ્રયાસો અને તરકટો છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભારે મતોથી જીત મેળવી હતી.

1. પહેલો કેસ- પહેલો કેસ રૂ. 5590 કરોડના હોસ્પિટલ નિર્માણ કૌભાંડ સંબંધિત છે. 2018-19માં દિલ્હી સરકાર દ્વારા 24 હોસ્પિટલની યોજનાને મંજૂરી અપાઈ હતી. જે છ મહિનામાં તૈયાર કરવાની હતી, પરંતુ ત્રણ વર્ષ બાદ પણ બાંધકામ બાકી છે. અત્યાર સુધી તેની પાછળ રૂ. 800 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે અને હજી સુધી 50 ટકા કામ જ પૂરું થયું છે. બીજી તરફ, એલએનજેપી હોસ્પિટલનો ખર્ચ રૂ. 488 કરોડથી વધી રૂ. 1135 કરોડે પહોંચ્યો છે. આ મામલામાં આપના નેતા અને દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની ભૂમિકા સામે સવાલ ઉઠી રહ્યા છે.   

2. બીજો કેસ- બીજો કેસ રૂ. 571 કરોડના સીસીટીવી કૌભાંડ સાથે જોડાયેલો છે. 2019માં દિલ્હીના 70 વિધાનસભા ક્ષેત્રોમાંથી 1.4 લાખ સીસીટીવી કેમેરા લગાવવાની યોજના બનાવાઈ હતી. આ કોન્ટ્રાક્ટ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને અપાયો હતો, પરંતુ આ યોજના સમયસર પૂરી થઈ ન હતી. BEL પર રૂ. 17 કરોડનો દંડ ફટકારાયો હતો. ત્યાર બાદ કોઈ પણ સ્પષ્ટ કારણ આપ્યા વિના તે માફ કરવામાં આવ્યો હતો.

3. ત્રીજો કેસ- ડીયુએસઆઈબી શેલ્ટર હોમના નિર્માણ કાર્યમાં 207 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનો દાવો કરાયો છે. દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રુવમેન્ટ બોર્ડ (ડીયુએસઆઈબી) સાથે જોડાયેલી આ યોજનામાં ગંભીર નાણાકીય ગેરરીતિ થઈ હોવાનો ખુલાસો થયો છે. જેમાં નકલી ફિક્સ્ડ ડિપોટિઝ રિસિપ્ટ મારફતે રૂ. 207 કરોડની હેરાફેરી થઈ હોવાનું ઈડીનું કહેવું છે. લોકડાઉન વખતે દસ્તાવેજમાં જાણવા મળ્યું કે, રૂ. 250 કરોડનું શેલ્ટર હોમનું કામ 'ઘોસ્ટ વર્કર્સ'ના નામે દર્શાવાયું હતું. આ કામદારોનો પગાર કમિશન પેટે નેતાઓ સુધી પહોંચ્યું હોવાનો આરોપ છે.