અમેરિકામાં નેતા, પત્રકારો, સરકારી અધિકારીઓના સ્માર્ટફોન્સ હેક થયા

June 09, 2025

મેરિકામાં સાયબર સુરક્ષા તપાસકારોએ ખૂબ જ નાના સ્તર પર અસામાન્ય સોફ્ટવેર ક્રેશ એટલે કે સાયબર હુમલાની નોંધ કરી છે. નાના સ્તર પર નેતાઓ,પત્રકારો, ટેક્નોલોજી અને સરકારી અધિકારીઓના સ્માર્ટફોન્સ હેક થયા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું છે. ગયા વર્ષના અંતથી શરૂ થયેલું હેકિંગ વર્ષ 2025માં પણ ચાલુ રહ્યું છે, જ્યાં અત્યાધુનિક સાયબર હુમલામાં યુઝર તરફથી એક પણ ક્લિક થયા વિના જ હેકર્સ તેમના ટાર્ગેટ વ્યક્તિના ફોનમાં ઘૂસણખોરી કરે છે અને ફોનમાં સાયબર હુમલાના કોઈ સંકેત પણ છોડતા નથી. સાયબર સુરક્ષા કંપની આઈવેરીફાઈએ નોંધ્યું હતું કે, સાયબર હુમલાનો ભોગ બનેલા બધા જ લોકોમાં એક બાબત સમાન હતી. તેઓ ચીનની સરકારના હિતોના ક્ષેત્રોમાં કામ કરતા હતા અને ભૂતકાળમાં ચીનના હેકર્સે તેમને નિશાન બનાવ્યા હતા. વિદેશી હેકર્સે વધુ ને વધુ સ્માર્ટફોન્સ, અન્ય મોબાઈલ ડિવાઈસીસ અને એપ્સની ઓળખ કરી રહ્યા છે, જેનો તેઓ અમેરિકન સાયબર સંરક્ષણમાં નબળી લિંક તરીકે ઉપયોગ કરી શકે છે. ચીનના સૈન્ય અને ઈન્ટેલિજન્સ સર્વિસીસ સાથે સંકળાયેલા જૂથોએ ટોચના પ્રભાવશાળી અમેરિકનોના સ્માર્ટફોન્સને નિશાન બનાવ્યા છે અને તેમના ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક્સમાં હેકર્સ ખૂબ જ ઊંડા ઉતરી ગયા હોવાનો રાષ્ટ્રીય સુરક્ષા અને ટેક એક્સપર્ટ્સ દાવો કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે મોબાઈલ ડિવાઈસીસ અને એપ્લિકેશન્સ કેટલા જોખમી છે અને સાયબર હુમલાના સમયમાં તે સંવેદનશીલ માહિતી દુશ્મન દેશને પહોંચાડી શકે છે અથવા અમેરિકન હિતોને ખુલ્લા કરી શકે છે. નેશનલ સિક્યોરિટી એજન્સી અને ગૂગલના ભૂતપૂર્વ સાયબર સિક્યોરિટી નિષ્ણાત અને હવે આઈવેરીફાઈમાં ચીફ ઓપરેશન્સ ઓફિસર રોકી કોલે જણાવ્યું કે, દુનિયામાં અત્યારે મોબાઈલ સુરક્ષા જોખમમાં છે.કોઈનું પણ ધ્યાન તેમના ફોન્સમાં નથી.