પાકિસ્તાનમાં રમવા અંગે પહેલા બીસીસીઆઇને નિર્ણય લેવા દો : અનુરાગ ઠાકુર

March 21, 2023

નાગપુર: પાકિસ્તાનમાં યોજાનારા એશિયા કપમાં રમવા અંગેનો નિર્ણય પહેલા ભારતીય ક્રિકેટ બોર્ડને લેવા દો તેવી કોમેન્ટ ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કરી છે. સપ્ટેમ્બરમાં એશિયા કપ યોજાવાનો છે, જેની યજમાનીના હક્કો પાકિસ્તાન બોર્ડ પાસે છે. એશિયન ક્રિકેટ કાઉન્સીલના વડા જય શાહ જાહેરાત કરી ચૂક્યા છે કે, એશિયા કપ પાકિસ્તાનને બદલે અન્યત્ર યોજાશે. જોકે પાકિસ્તાન એશિયા કપની યજમાની માટે જીદ કરી રહ્યું છે. ઠાકુરે કહ્યું કે, પહેલા બીસીસીઆઇને નિર્ણય લઈ લેવા દો. ત્યાર બાદ ખેલ મંત્રાલય અને ગૃહ મંત્રાલય નિર્ણય લેશે.નોંધપાત્ર છે કે, ગત વર્ષે ઓક્ટોબરમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતુ કે, ભારત એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જશે કે નહીં તેનો નિર્ણય સલામતીના કારણોને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય લેશે. જોકે હવે તેમણે તેમનું નિવેદન બદલતાં બીસીસીઆઇને આ અંગે પહેલા નિર્ણય લેવા માટે જણાવ્યું હતુ.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મુદ્દો આગામી આઇસીસીની મિટિંગમાં પણ ઉઠાવવાની તૈયારીમાં છે. ભારતની ભૂમિ પર આતંકવાદ ફેલાવતા પાકિસ્તાન સાથેના દ્વિપક્ષિય ક્રિકેટ સંબંધો ભારત સરકારે કાપી નાંખ્યા છે. જોકે, આઇસીસી તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સીલની ટુર્નામેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને રમતાં હોય છે.