સુરતના રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં ભગવાન શિવને ચઢે છે જીવતા કરચલા

January 27, 2025

સુરત શહેર, જેને તાપી નદીના તટે વસેલું આધ્યાત્મિક સ્થાન માનવામાં આવે છે. ત્યાં અનેક પૌરાણિક મંદિરો છે, જે શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. આ બધાની વચ્ચે સૌથી વિશિષ્ટ અને આસ્થાભર્યું મંદિર રામનાથ ઘેલા મહાદેવ મંદિર, જે ઉમરા વિસ્તારમાં આવેલું છે. આ વિશ્વનું એકમાત્ર મંદિર છે, જ્યાં શિવલિંગ પર પુષ્પ-બીલીપત્રની સાથે જીવતા કરચલા ચઢાવવામાં આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે.

જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય તેઓ અહીં માનતા રાખે છે
પોષ એકાદશીએ માનતા પૂર્ણ કરવા માટે અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવે છે. આ પરંપરા પૌરાણિક સમયથી જ અખંડિત રીતે ચાલી આવે છે અને એમાં શ્રદ્ધાળુઓની પ્રગાઢ આસ્થા છે. દર વર્ષેની જેમ પોષ એકાદશીના દિવસે અહીં વિશાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રામનાથ ઘેલા મહાદેવ મંદિરે વહેલી સવારથી દૂર-દૂરથી આવેલા ભક્તોની લાઈનો જોવા મળી હતી. સ્થાનિક લોકદંતકથાઓ અનુસાર, શ્રીરામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાના તીર્થકર્મ માટે શિવલિંગની સ્થાપના કરી હતી.

સમુદ્રદેવે બ્રાહ્મણરૂપ ધારણ કરીને પ્રગટ થઈ સહાય કરી
આ દરમિયાન તેઓ પોતાના પિતા દશરથના અવસાનના સમાચારથી મૂંઝાય ગયા અને પિતૃ તર્પણ વિધિ કરવા માટે યોગ્ય બ્રાહ્મણ શોધતા હતા. કોઈ બ્રાહ્મણ ન મળતાં સમુદ્રદેવે બ્રાહ્મણરૂપ ધારણ કરીને પ્રગટ થઈ સહાય કરી હતી.આ સમયે સમુદ્રનાં મોજાંની સાથે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યાં હતાં. એ સમયે ભગવાન રામે કરચલાઓને માન આપવા માટે આજીવન શ્રાપમુક્ત કરી માન્યતા આપી કે જે કોઈ માનવી કાનની રસી જેવી ગંભીર સમસ્યાથી પીડાતો હોય તે અહીં માનતા રાખે તો તેનો રોગ દૂર થાય. આ કથાના આધારે પોષ એકાદશીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો અહીં પૂજા કરવા માટે આવે છે.સવારે 5:00 વાગ્યાથી મંદિરમાં કરચલા ચડાવવા માટે લાઇન લાગી જાય છે.

ભકતોની માનતા કરાય છે પૂર્ણ
લાખોની સંખ્યામાં ભક્તો ગુજરાત નહીં, પરંતુ ગુજરાતની બહારથી પણ મંદિરમાં કરચલા ચઢાવવા માટે અને માનતા રાખવા માટે આવે છે. અનુમાનિત લગભગ 50 હજારથી વધુ કરચલા એક દિવસમાં મંદિરમાં ચઢાવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતની અલગ અલગ નદીઓના કિનારાથી આ કરચલા બે દિવસ પહેલાં જ સુરતમાં આવી જાય છે. લોકો ₹100થી ₹200 સુધીની કિંમતમાં એક કરચલો ખરીદતા હોય છે.મંદિરના પૂજારી જણાવ્યું હતું કે ભગવાન રામે પોતાના પિતા દશરથની તર્પણ વિધિ અહીં કરી હતી. તેમણે આશીર્વાદ આપ્યા બાદ અહીં આ પરંપરા શરૂ થઈ.

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે
દર વર્ષે પોષ એકાદશીના દિવસે એક દિવસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અમે કરચલાની ગણતરી કરતા નથી, પરંતુ 50 હજારથી વધુની સંખ્યામાં લોકો અહીં કરચલા ચઢાવે છે. જે રીતે શિવલિંગ પર પુષ્પ અને બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે એ જ રીતે અહીં શિવભક્તો માનતા રાખીને કરચલા ચઢાવે છે. રાત્રે અમે આ તમામ કરચલાને વિધિવત્ રીતે તાપી નદીમાં અર્પણ કરી દઈએ છીએ.આ મંદિર વિશે માન્યતા છે કે શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની સમસ્યાઓ દૂર થાય છે. ભક્તોના જણાવ્યા પ્રમાણે, જીવનના અનેક રોગો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ અહીં પોતાની શ્રદ્ધા સાથે આવે છે.