સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી રહ્યું, પરદા પાછળ મોટી રમત

January 31, 2026

NCP ચીફ અજિત પવારના આકસ્મિક નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ સર્જાઈ છે. અજિત પવારના અકાળ નિધન બાદ મહારાષ્ટ્રમાં સૌથી મોટો રાજકીય સવાલ એ હતો કે NCPનું ભવિષ્ય શું હશે? NCP તરફથી અજિત પવારની જગ્યાએ આગામી નાયબ મુખ્યમંત્રી કોણ બનશે? શું અજિત પવારના પત્ની સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી બનશે કે પછી બંને NCP જૂથ એક થશે? આ અટકળો વચ્ચે ગુરુવારે (30 જાન્યુઆરી) વરિષ્ઠ નેતાઓએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ એ નિર્ણય લેવાયો કે, સુનેત્રા પવાર ડેપ્યુટી સીએમ બનશે. જોકે, મહાયુતિ સુનેત્રા પવારને કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી રહ્યું, પરદા પાછળ મોટી રમત રમાઈ રહી છે. અજિત પવાર બાદ તેમના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી સીએમ બનવા જઈ રહ્યા છે. આ પગલાથી મહારાષ્ટ્રના રાજકારણના ચાણક્ય તરીકે જાણીતા શરદ પવાર દંગ રહી ગયા છે. જોકે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવા પાછળ મહાયુતિની એક સમજી-વિચારીને બનાવામાં આવેલી વ્યૂહરચના કામ કરી રહી છે. સૂત્રોએ સ્પષ્ટતા કરી કે આ પગલાનો વાસ્તવિક હેતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પર નિયંત્રણ જાળવી રાખવાનો અને પાર્ટીને ફરી શરદ પવારના હાથમાં જતી અટકાવવાનો છે.
વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી NCPના બંને જૂથો વચ્ચે વિલયની ચર્ચાઓ અંતિમ તબક્કામાં હતી. ખુદ NCP(શરદ પવાર જૂઠ)ના અધ્યક્ષ જયંત પાટીલે દાવો કર્યો હતો કે બંને પક્ષો વચ્ચેની વાતચીત નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. શરદ પવારે પણ સ્વીકાર્યું હતું કે, અજિત પવાર અને જયંત પાટીલ વચ્ચે ઘણી બેઠકો થઈ હતી અને અજિત પવાર 12 ફેબ્રુઆરીએ NCPના વિલયની જાહેરાત કરવાના હતા.  
મહાયુતિનો શું છે પ્લાન?
જોકે, અજિત પવારના પ્લેન ક્રેશમાં આકસ્મિક નિધન બાદ જેવો એ સંકેત મળ્યો કે, બંને NCPના એક થવાની સ્થિતિમાં પાર્ટીનો સંપૂર્ણ કંટ્રોલ ફરીથી શરદ પવારની પાસે જઈ શકે છે, ત્યારે જ મહાયુતિએ પોતાનો રાજકીય દાવ ખેલ્યો. આ દાવ હેઠળ જ સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો. 
મહાયુતિની અંદર એ સ્પષ્ટ વિચાર છે કે જો અજિત પવાર જૂથ નબળું પડે અથવા તેમની પાર્ટીનો વિલય થાય તો NCP પર શરદ પવારની પકડ ફરીથી મજબૂત થઈ શકે છે. આ જ કારણ છે કે સુનેત્રા પવારને સત્તાના કેન્દ્રમાં લાવીને NCPમાં સંતુલન જાળવી રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે NCPના વરિષ્ઠ નેતાઓ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે પણ કોઈપણ કિંમતે પાર્ટીને શરદ પવારના નેતૃત્વમાં પાછી ફરતી જોવા નથી માગતા. આ જ કારણ છે કે સુનેત્રા પવારને વિધાનસભા પક્ષના નેતા અને પછી ડેપ્યુટી સીએમ બનાવવાનો રસ્તો સ્પષ્ટ કરવામાં આવ્યો. 
શનિવારે NCPના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે, જેમાં સુનેત્રા પવારને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા છે. ત્યારબાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને નાયબ મુખ્યમંત્રી તરીકે તેમની નિમણૂકની ભલામણ કરતો ઔપચારિક પત્ર મોકલવામાં આવશે.
NCPના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે પહેાથી જ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને આ સમગ્ર ઘટનાક્રમની રૂપરેખા નક્કી કરી ચૂક્યા છે. પાર્ટીના તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેનાથી એ સ્પષ્ટ થાય છે કે આ નિર્ણય પૂર્વ-આયોજિત વ્યૂહરચનાનો હિસ્સો છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એવા અહેવાલ છે કે શરદ પવાર અને સુપ્રિયા સુલે આજે સુનેત્રા પવારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થશે. સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવા પર શરદ પવારની હેરાની સ્પષ્ટ દેખાઈ. તેમણે જણાવ્યું કે, અજિત પવારના અસ્થિ વિસર્જન સુધી સુનેત્રા પવાર તેમની સાથે હતા અને ડેપ્યુટી સીએમ પદ અંગે કોઈ ચર્ચા નહોતી થઈ.