માયાવતીએ ફરી ભત્રીજાને સોંપી મોટી જવાબદારી, ચીફ નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યા

May 18, 2025

બસપા પ્રમુખ માયાવતીના ભત્રીજા આકાશ આનંદ ફરી એકવાર રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવતાં જોવા મળશે. રવિવારે બસપાની હાઈલેવલ મીટિંગ બાદ આકાશને ચીફ નેશનલ કોઓર્ડિનેટરની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આકાશને ત્રણ નેશનલ કોઓર્ડિનેટર રિપોર્ટ કરશે. 


મીડિયા સુત્રોએ જણાવ્યા પ્રમાણે, આગામી ચૂંટણીમાં આકાશ આનંદને પક્ષનો પ્રચાર કરવાની કમાન સોંપવામાં આવશે. બસપામાં હાલ ત્રણ નેશનલ કોઓર્ડિનેટર છે. જેમની ઉપર આકાશ આનંદ ચીફ નેશનલ કોઓર્ડિનેટર તરીકે દેખરેખ રાખશે.

બસપાના નેશનલ કોઓર્ડિનેટરમાં રાજ્યસભા સાંસદ રામજી ગૌતમ, રણધીર બેનીવાલ અને રાજારામ સામેલ છે. રામજી ગૌતમ સંગઠનમાં બિહાર પ્રદેશના પ્રભારી છે. આકાશ આનંદની રાજકારણમાં જવાબદારી વધતાં પક્ષમાં નવી ઉર્જાનો સંચાર થવાનો સંકેત મળ્યો છે.


માયાવતીના ભત્રીજા આકાશ આનંદ અને તેમના સસરા અશોક સિદ્ધાર્થને કથિત રીતે શિસ્તતાનો ભંગ કરવા બદલ પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતાં. જો કે, મહિના બાદ નાટકીય રૂપે બસપા પ્રમુખે આકાશને ફરી એક નવી તક આપવા નિર્ણય લીધો હતો. આકાશે 13 એપ્રિલના રોજ જાહેરમાં માફી પણ માગી હતી. તેમજ માયાવતીના નેતૃત્વ હેઠળ કામગીરી કરવાનો સંકલ્પ પણ હતો. આકાશે કહ્યું હતું કે, હું માયાવતીને જ એકમાત્ર રાજકીય ગુરૂ અને રોલ મૉડલ માનું છું. કોઈપણ સગા-સંબંધી કે રાજકરણીની સલાહ ન લેવાનું વચન પણ લઉ છું.