મોદી-મેર્ઝની જુગલબંધી: સાબરમતી આશ્રમમાં ગાંધી વંદના બાદ રિવરફ્રન્ટ પર પતંગોત્સવનો પ્રારંભ કરાવ્યો

January 12, 2026

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે આ મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. બંને નેતાઓએ રિવરફ્રન્ટ પર ઉમટી પડેલા પતંગબાજો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોના અદભૂત દ્રશ્યોને નિહાળ્યા હતા. આ પ્રસંગે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં બંને મહાનુભાવોએ પતંગ ઉડાડવામાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો, જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ પહેલા જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પહોંચતા જ વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંસુમન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન ચાન્સેલર મેર્ઝે ગાંધીજીના જીવન અને આદર્શો વિશે જાણકારી મેળવી હતી. તેમણે આશ્રમમાં મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાતા ચરખાને ખૂબ જ કુતૂહલપૂર્વક નિહાળ્યો હતો અને આ મુલાકાત અંગેના પોતાના અનુભવો વિઝિટર બુકમાં નોંધ્યા હતા.