200 રનનો લક્ષ્ય હાસિલ કરી મુંબઈએ બેંગલોરને હરાવ્યું

May 10, 2023

મુંબઈઃ MI vs RCB Full Match Highlights: પોતાના હોમ ગ્રાઉન્ડ પર રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ 200 રનના લક્ષ્યનો પીછો કરી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા ફાફ ડુ પ્લેસિસ 65 અને ગ્લેન મેક્સવેલના 68 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 199 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 17મી ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો. મુંબઈ માટે સૂર્યકુમાર યાદવે માત્ર 35 બોલમાં 83 રન ફટકાર્યા હતા. તેણે 7 ચોગ્ગા અને છ સિક્સ ફટકારી હતી. તો નેહલ વઢેરાએ 34 બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સની મદદથી અણનમ 52 રન બનાવ્યા હતા. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટન રોહિત શર્માના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા 7 રન બનાવી આઉટ થયો હતો. ઈશાન કિશને 21 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે આક્રમક 41 રન બનાવ્યા હતા. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ અને નેહલ વઢેરાએ સદીની ભાગીદારી કરી મુંબઈની જીત નક્કી કરી હતી. સૂર્યકુમારે 35 બોલમાં 83 રન બનાવ્યા હતા. જ્યારે વઢેરા 52 રન બનાવી અણનમ રહ્યો હતો. 


ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત ખરાબ રહી હતી. વિરાટ કોહલી માત્ર 1 રન બનાવી આઉટ થયો હતો. અનુજ રાવત પણ 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ મેક્સવેલ અને ડુ પ્લેસિસે ઈનિંગ સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી હતી. ડુ પ્લેસિસે 41 બોલમાં 65 અને મેક્સવેલે 33 બોલમાં 68 રન બનાવ્યા હતા. 

દિનેશ કાર્તિકે 18 બોલમાં 30 રનનું યોગદાન આપ્યું હતું. કેદાર જાધવ અને હસરંગા 12-12 રન બનાવી અમનમ રહ્યાં હતા. મુંબઈ તરફથી જેસન બેહરેનડોર્ફે ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય કેમરૂન ગ્રીન,  ક્રિસ જોર્ડન અને કુમાર કાર્તિકેયને એક-એક વિકેટ મળી હતી.