નૌહૈલા બેન્ઝીનાએ વર્લ્ડ કપમાં હિજાબ પહેરીને ઈતિહાસ રચ્યો, આવું કરનાર પ્રથમ ખેલાડી બની

July 30, 2023

ફિફા વિમેન વર્લ્ડ કપના ગ્રુપ એચમાં જર્મની ત્રણ પોઈન્ટ સાથે મોખરે છે


ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં મોરોક્કોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું હતું

મોરોક્કન ડિફેન્ડર નૌહૈલા બેન્ઝીના દક્ષિણ કોરિયા સામે મહિલા વિશ્વ કપની તેની ટીમની બીજી મેચમાં જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે હિજાબ પહેરીને વરિષ્ઠ સ્તરની વૈશ્વિક ટુર્નામેન્ટમાં રમનારી પ્રથમ મહિલા ફૂટબોલર બની હતી. FIFAએ વર્ષ 2014માં 'સ્વાસ્થ્ય અને સલામતીના કારણોસર' મેચોમાં ધર્મના કારણે માથા ઢાંકવા પરના પ્રતિબંધને રદ કર્યો હતો.

મુસ્લિમ વિમેન ઇન સ્પોર્ટ્સ નેટવર્કની સહ-સ્થાપક અસમાહ હેલાલે જણાવ્યું હતું કે, "મને કોઈ શંકા નથી કે હવે વધુને વધુ મહિલાઓ અને મુસ્લિમ છોકરીઓ બેન્ઝીનાથી પ્રેરણા લેશે અને તે માત્ર ખેલાડી જ નહીં પરંતુ મને લાગે છે કે નિર્ણય લેનારાઓ, કોચ અને અન્ય રમતગમતમાં પણ તેની પણ અસર પડશે.” બેન્ઝીના મોરોક્કોની ટોચની મહિલા લીગમાં એસોસિએશન સ્પોર્ટ્સ ઓફ આર્મ્ડ ફોર્સીસ રોયલ માટે પ્રોફેશનલ ક્લબ ફૂટબોલ રમે છે.

ગ્રુપ એચમાં મોરોક્કો, જર્મની, કોલંબિયા અને દક્ષિણ કોરિયા એકસાથે છે. આવી સ્થિતિમાં મોરોક્કો અને દક્ષિણ કોરિયા ગ્રુપ સ્ટેજમાં પોતાની બીજી મેચ રમી રહ્યા હતા. આ મેચમાં મોરોક્કોએ દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું હતું. ઇબ્તિસામ જરાદીએ મેચની છઠ્ઠી મિનિટે ગોલ કર્યો હતો. આ ગોલ બંને ટીમો માટે જીત અને હાર વચ્ચેનો તફાવત બની ગયો. આ પછી સમગ્ર મેચમાં એક પણ ગોલ થયો ન હતો. મોરોક્કોએ પોતાની 1-0ની લીડ જાળવી રાખી અને મેચ જીતી લીધી હતી.
અત્યારે જર્મની ગ્રુપ એચમાં 3 પોઈન્ટ સાથે મોખરે છે. જો મોરોક્કો ગ્રૂપ સ્ટેજમાં કોલંબિયા સામેની તેમની આગામી મેચ જીતશે તો રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય થવાની તેમની તકોમાં સુધારો કરશે. મેન્સ ફિફા વર્લ્ડ કપમાં મોરોક્કોનું પ્રદર્શન ખુબ જ સારું હતું. તે સેમિફાઇનલમાં પહોંચી હતી. ફ્રાન્સે તેમને સેમિફાઇનલમાં 2-0થી હરાવ્યું હતું.