વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, 20 ફૂટ હિસ્સો ધસી પડતાં 8ના મોત

April 30, 2025

વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન મંદિરનો 20 ફૂટ લાંબો ભાગ તૂટી પડતાં આઠ લોકોના મોત થયા હતા અને ચાર ઘાયલ થયા હતા. જેની જાણકારી મળતાં જ SDRF અને NDRFની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પરિસ્થિતિ જોઈને આંધ્રપ્રદેશના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ચંદનોત્સવ દરમિયાન 20 ફૂટ લાંબો મંદિરનો હિસ્સો અચાનક તૂટી પડવાથી આ ઘટના બની હતી. દર વર્ષે ચંદનોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે. આ વર્ષે પણ એવો અંદાજ છે કે લગભગ બે લાખ ભક્તો આ મહોત્સવમાં હાજર રહ્યા હતા. સિંહચલમ ટેકરી પર આવેલું આ મંદિર સદીઓ જૂનું છે. ચંદનોત્સવ અને અન્ય ધાર્મિક વિધિઓ માટે હજારો ભક્તો અહીં એકઠા થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ભીડ ખૂબ જ હતી અને ભક્તો ભગવાનના દર્શન માટે કતારમાં ઉભા હતા.  બુધવારે સવારે 1 વાગ્યે 'સુપ્રભાતમ' સાથે ચંદનોત્સવ શરૂ થયો હતો. ત્યારપછી વિશ્વસેન પૂજા, પુણ્યવચના, ઋત્વિકવરણ, પંચકલવાહન અને ચન્નોત્તરમ્ કરવામાં આવ્યા હતા. ભક્તોને સવારે 4 વાગ્યાથી ભગવાનના દર્શન કરવાની છૂટ અપાઈ હતી. પ્રોટોકોલ મુજબ, VIP લોકોને સવારે 5 થી 6 વાગ્યા સુધી અને રાત્રે 8.30 થી 9.30 વાગ્યા સુધી દર્શન કરવાની મંજૂરી અપાઈ હતી.