અલ સાલ્વાડોરના ફૂટબોલ સ્ટેડિયમમાં નાસભાગ, 9 લોકોના મોત

May 21, 2023

નવી દિલ્હી- અલ સાલ્વાડોરના ફૂટબોલ સ્ટેડિયમમાં નાસભાગમાં નવ લોકોના મોત થઈ ગયા છે. સ્થાનિક ટૂર્નામેન્ટ જોવા માટે ફૂટબોલ ચાહકો સ્ટેડિયમમાં એકઠા થયા હતા. આ નાસભાગમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. નાસભાગને કારણે ઘણા લોકોના શ્વાસ ચઢવા લાગ્યો હતો અને તેઓ સ્ટેડિયમમાં જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. પેરામેડિક્સે પણ તેને CPR આપવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં સ્થિતિ કાબૂમાં આવી શકી નથી. સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપી હતી.


વિદેશી મીડિયાએ અલ સાલ્વાડોર પોલીસનો હવાલો આપતા જણાવ્યું કે, ટીમ આલિયાન્ઝા અને સાંતા એના આધારિત ટીમ ફાસ વચ્ચેની મેચ જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોન્યુમેન્ટલ સ્ટેડિયમમાં ગેટ બંધ હોવા છતાં તેઓ અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતા હતા. આ દરમિયાન નાસભાગને કારણે સાત પુરૂષો અને 18 વર્ષથી વધુ ઉંમરના બે મહિલાઓના મોત થઈ ગયા છે. અલ સાલ્વાડોરના આરોગ્ય મંત્રી ફ્રાન્સિસ્કો આલ્બીએ જણાવ્યું કે, નજીકની હોસ્પિટલોમાંથી એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.