દેશમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય : ભયંકર ઠંડી, ગાઢ ધુમ્મસ, વરસાદનું એલર્ટ

January 18, 2025

દેશમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાશે. આજથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેની અસર ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળશે. તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ વચ્ચે ભારે વરસાદ માટે એલર્ટ જાહેર છે. વરસાદ બાદ તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે જેના કારણે ઠંડીમાં વધુ વધારો થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે એક મોટું અપડેટ જાહેર કર્યું છે.

IMD અનુસાર, 18 જાન્યુઆરીથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે અને બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 22 જાન્યુઆરીથી સક્રિય થશે. તેની અસરને કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આજથી 22 જાન્યુઆરી સુધી હિમવર્ષા સાથે વરસાદની સંભાવના છે. તેમજ 21-22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાનમાં વાદળો છવાયેલા રહેશે.

એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ કેરળના કિનારે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર સ્થિત છે, જે 18થી 20 જાન્યુઆરી સુધી તમિલનાડુ, પુડુચેરીમાં અને 19-20 જાન્યુઆરી સુધી કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદનું કારણ બની શકે છે. આ સાથે જ જોરદાર વાવાઝોડા સાથે કરા પણ પડી શકે છે.