50 અબજના જમીન કૌભાંડમાં ઈમરાન ખાનને 14 વર્ષ, પત્ની બુશરાને 7 વર્ષની કેદ

January 18, 2025

પાકિસ્તાનની એક કોર્ટે શુક્રવારે પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને જમીન કૌભાંડ આચરવા માટે તેમજ ભ્રષ્ટાચાર આચરવાના કેસમાં દોષિત ઠરાવીને ઈમરાન ખાનને 14 વર્ષની અને બુશરા બીબીને 7 વર્ષની સજા ફટકારી હતી. જસ્ટિસ નાસિર જાવેદ રાણા દ્વારા બંનેને કેદની સજા ઉપરાંત દંડ કરાયો હતો.

જેમાં ઈમરાન ખાનને રૂ. 10 લાખનો અને બુશરા બીબીને રૂ. 5 લાખનો દંડ કરાયો હતો. જો તેઓ દંડ નહીં ભરે તો ઈમરાન ખાનને વધુ 6 મહિના અને બુશરાને વધુ 3 મહિના જેલની સજા કરાઈ છે. બુશરા બીબીનાં ટ્રસ્ટ અલ કાદિર દ્વારા બંને પતિ-પત્નીએ કૌભાંડ આચરીને પાક. સરકારની તિજોરીને 50 અબજ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતું.

બંનેએ બુશરા બીબીનાં અલ કાદિર ટ્રસ્ટ દ્વારા પાકિસ્તાની સરકારની અબજોની જમીન સસ્તામાં વેચી નાંખી હતી. આ કેસમાં ઈમરાન ખાનને 9 મે 2023નાં રોજ પકડીને જેલમાં પુરવામાં આવ્યા હતા. આ પછી તેમનાં ટેકેદારોએ આખા દેશમાં તોફાન મચાવ્યું હતું અને આર્મીના કેટલાક મહત્ત્વના સ્થળો પર હુમલા કર્યા હતા. આ વખતે પણ જેલે સજા ફટકાર્યા પછી ઈમરાન ખાનના ટેકેદારો આખા દેશમાં તોફાન મચાવશે તેવી ભીતિ સેવાઈ રહી છે.