કોણ લીક કરી રહ્યું છે ડ્રેસિંગ રૂમની વાતો? ગંભીરે સરફરાઝનું નામ આપ્યું તો ભડક્યો હરભજન સિંહ

January 18, 2025

ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કરેલા નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સામે અનેક સવાલો ઊભા થયા છે. પર્થ ટેસ્ટ મેચ જીત્યા બાદ મેલબર્ન ગ્રાઉન્ડ પર રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારત બીજી વખત હારી ગયું હતું. એ સમયે ગૌતમ ગંભીર પોતાને કાબૂમાં રાખી શક્યો ન હતો અને તેનો ગુસ્સો ડ્રેસિંગ રૂમમાં બહાર આવી ગયો હતો. જ્યારે આ માહિતી મીડિયા સમક્ષ આવી ત્યારે ગંભીર ખૂબ જ નિરાશ થયો હતો અને તેમણે કહ્યું કે કોચ અને કેપ્ટન વચ્ચેની વાતચીત ડ્રેસિંગ રૂમની બહાર ન આવવી જોઈએ.  મેલબર્ન ટેસ્ટ મેચ પછી જ્યારે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં બનેલી ઘટના મીડિયા રિપોર્ટ્સ દ્વારા લીક થઈ ગઈ ત્યારે ચારે બાજુ હંગામો મચી ગયો હતો. પરંતુ પછી જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ટેસ્ટ સીરિઝ હારીને પરત ફરી હતી ત્યારે હાલની ફરી એકવાર મીડિયા રિપોર્ટ સામે આવ્યો હતો કે સરફરાઝ ખાન આ બધી વાતો લીક કરી રહ્યો છે. જેના પર ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હરભજન સિંહ ગુસ્સે થઈ ગયો અને હવે તેણે ગંભીરને ઠપકો આપતા મોટું નિવેદન આપ્યું છે. હરભજન સિંહે કહ્યું હતું કે, 'છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય ટીમમાં ઘણું બધું બન્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ હોય કે તેના પછી... મેદાન પર જીત અને હાર થતી રહે છે. પરંતુ ડ્રેસિંગ રૂમમાંથી દરરોજ નવી વાર્તાઓ ન આવવી જોઈએ. મેં સાંભળ્યું છે કે ગંભીરે કહ્યું છે કે સરફરાઝ ખાને ડ્રેસિંગ રૂમનો મામલો લીક કર્યો છે. જો ગંભીરે આવું કહ્યું હોય તો કોચ સાહેબે આવું ન કહેવું જોઈએ. જો સરફરાઝ ખાને આ કર્યું હોત તો તમે ઓસ્ટ્રેલિયામાં જ તેની સાથે વાત કરી કરવી જોઈતી હતી. તે એક યુવાન ખેલાડી છે અને તેને સમજાવવાની જરૂર છે.' ગૌતમ ગંભીરને સલાહ આપતા હરભજન સિંહે વધુમાં કહ્યું કે, 'એક સિનિયર ખેલાડી હોવાને કારણે યુવા ખેલાડીઓને સમજાવવાનું અને શીખવવાનું કામ આપણું છે. જો સરફરાઝે આવું કર્યું હોય તો તેણે આ ખરેખર ખોટું કર્યું છે. ડ્રેસિંગ રૂમની વાતો બહાર ન નીકળવી જોઈએ. ગંભીર આ કામમાં નવો છે અને તેને પણ સમય આપવો જોઈએ. આ સિવાય ખેલાડીઓને સિસ્ટમમાં તાલમેલ બેસાડતા સમય લાગે છે.'