પતિ સૈફ પર હુમલા બાદ કરીનાની પહેલી પોસ્ટ, ચાહકોને કરી આ વિનંતી

January 16, 2025

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા બાદ ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. ચોરે સૈફ અલી ખાનના ઘરે તેમના પર ચાકુથી હુમલો કર્યો. સૈફ પર હુમલા બાદ કરીનાની પહેલી પોસ્ટ સામે આવી છે. જેમાં કરીનાએ સૈફની સ્થિતિને લઈને ચાહકોને જાણકારી આપવાની સાથે થોડું ધૈર્ય રાખવા વિનંતી કરી અને કોઈપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા જણાવ્યું.

કરીનાએ લખ્યું કે, 'અમારા પરિવાર માટે બહુ મુશ્કેલ દિવસ હતો. અમે તમામ બાબતો જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વિચારી રહ્યા છીએ કે આ બધું કેમ થયું? આ મુશ્કેલીના સમયમાં હું મીડિયા અને પાપારાઝીને વિનંતી કરું છું કે કોઈપણ પ્રકારની અફવાઓ ના ફેલાવો અને આવું કોઈ કવરેજ ના કરો.'

કરીનાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, 'અમે તમારી ચિંતા સમજીએ છીએ અને તમારા વિશે ચિંતિત પણ છીએ. જે રીતે તમે લોકો સતત અપડેટ્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, તે બધું જોવું અમારા માટે ખૂબ જ મોટી વાત છે. તમે લોકો જે રીતે અમારી સુરક્ષાની ચિંતા કરો છો, તે અમારા માટે મોટી વાત છે. પણ હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું કે, અમારી બાઉન્ડ્રીનું સન્માન કરો. કૃપા કરીને અમને થોડી જગ્યા આપો જેથી અમારો પરિવાર બહાર જઈ શકે, બધું સમજી શકે. હું તમારા બધાનો આભાર માનીશ કે, તમે અમને સમજી રહ્યા છો અને આ મુશ્કેલીના સમયમાં અમારી મદદ કરી રહ્યા છો.'

15 જાન્યુઆરી, 2025ની મોડી રાત્રે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલો થયો હતો. જેમાં એક શખ્સ સૈફના ઘરમાં મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘુસી ગયો અને તેના પર હુમલો કરી દીધો. હુમલામાં સૈફને ઘણી જગ્યાએ ગંભીર ઈજા પહોંચી હતી. હાલ એક્ટરને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક્ટર સિવાય આ શખ્સે ઘરમાં હાજર હાઉસકીપર પર પણ હુમલો કર્યો હતો. આ મામલે મુંબઈ પોલીસે આજે 16 જાન્યુઆરીએ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.