તેરી ભી ચુપ મેરી ભી ચુપ : ક્રિમિનલ કેસ છતાં ઘણાં ઉમેદવાર બનાવ્યાં, સુપ્રીમના આદેશને ઘોળીને પી ગયા રાજકીય પક્ષો

January 18, 2025

રાજકીય પક્ષોએ ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોને કેમ ટિકિટ આપી તેના કારણો જાહેર કર્યા હતા. જેમાં મોટાભાગના પક્ષોનો દાવો હતો કે ક્રિમિનલ કેસો રાજકારણથી પ્રેરિત હોવાને કારણે અમે આવા ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ માહિતી તાજેતરમાં મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડેલા ક્રિમિનલ કેસો ધરાવતા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને એડીઆરે જાહેર કરેલા રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ મુજબ ઘણા મામલામાં પક્ષોએ ક્રિમિનલ કેસોવાળા ઉમેદવારોને પસંદ કર્યા તેનું એક કારણ અન્ય ઉમેદવારોનું સ્થાનિક લોકો સાથે જોડાણ ના હોવાનું પણ જણાવ્યું હતું.  મહારાષ્ટ્ર, ઝારખંડ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને 1286 ઉમેદવારો તરફથી મળેલા ફોર્સ સી૭નો અભ્યાસ એડીઆર દ્વારા કરવામાં આવ્યો હતો. ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોને પસંદ કેમ કરાયા તેના જે કારણો રાજકીય પક્ષો દ્વારા અપાયા છે તેમાં સુપ્રીમ કોર્ટના આદેશના અમલની ઉણપ જોવા મળી રહી છે. સુપ્રીમના આદેશ મુજબ રાજકીય પક્ષોએ ક્રિમિનલ રેકોર્ડ છતા તેવા ઉમેદવારોને પસંદ કર્યા તેની વિગતવાર કારણો સાથે માહિતી આપવાની રહે છે. એડીઆર રિપોર્ટ જણાવે છે કે વિગતવાર કારણો આપવાના બદલે મોટાભાગના રાજકીય પક્ષોએ માત્ર એમ કહીને હાથ ઉંચા કરી લીધા કે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારો સામેના કેસો રાજકીય છે, ઉમેદવાર યુવા અને ઉત્સાહિત છે માટે તેને ટિકિટ આપવામાં આવી છે. સુપ્રીમનો આદેશ છતા પણ મહારાષ્ટ્રમાં 29 ટકા અને ઝારખંડમાં 20 ટકા ઉમેદવારોએ ક્રિમિનલ રેકોર્ડ સાથે કેમ તેમને ટિકિટ અપાઇ તે અંગે યોગ્ય કારણો પ્રકાશિત નહોતા કર્યા તેનાથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થયું છે. મહારાષ્ટ્રના રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર દિગંબર રોહિદાસ સામે 35 ક્રિમિનલ કેસો છે છતા તેને ટિકિટ આપવા પાછળના કારણ આપતા પક્ષે દાવો કર્યો છે કે રોહિદાસ ગરીબો માટે મદદ કરનારા પ્રભાવી નેતા છે. તેવી જ રીતે કોંગ્રેસના સંજય ચંદુકાકા સામે ૨૭ અને બન્ટી બાબા સામે 26 ક્રિમિનલ કેસો પેન્ડિંગ છે. જોકે પક્ષનો દાવો છે કે ઉમેદવારની સામે ક્રિમિનલ કેસો છે પરંતુ તેનામાં વહિવટનો સારો અનુભવ છે. આ ક્રિમિનલ કેસો રાજકીય કિન્નાખોરીથી દાખલ કરાયા છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર જુથના એનસીપીએ અને ઉદ્ધવ જુથના શિવસેનાએ ક્રિમિનલ કેસોવાળા ઉમેદવારોને પસંદ કેમ કર્યા તેના કારણો આપવામાં નિષ્ફળ રહ્યા, તેવી જ રીતે ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાએ પણ આ વિગતો ના આપી. મહારાષ્ટ્રમાં 1052 માંથી 503 એટલે કે 48 ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસો ચાલી રહ્યા હતા, જેમાં 35 ટકા કેસો ગંભીર ગુનાના છે. ઝારખંડમાં ૨૩૪માંથી ૧૦૫ ઉમેદવારોએ ક્રિમિનલ કેસોની માહિતી આપી હતી જેમાં 35 ટકા કેસો ગંભીર ગુના સાથે જોડાયેલા છે. ભાજપના ઉમેદવાર બાબુલાલ મરાંડી સામે 15 ક્રિમિનલ કેસો હતા, છતા તેને સમાજ સેવક ગણાવીને કેસોને રાજકીય કિન્નાખોરી ગણાવી ધ્યાન પર નહોતા લેવાયા. મહારાષ્ટ્રમાં 83 ટકા ઉમેદવારો કરોડપતિ હતા જ્યારે ઝારખંડમાં કોંગ્રેસના ઉમેદવારો સૌથી ધનવાન છે.