નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ

August 03, 2025

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નાગપુર સ્થિત નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મકાનની સુરક્ષા વધારી દેવાઈ છે અને પોલીસે પણ તાત્કાલીક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે ધમકી આપનાર એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ધમકી આપનાર વ્યક્તિએ ફેક કૉલ કર્યો હતો. અધિકારીઓએ આરોપીની ધરપકડ કરી લીધી છે.
રિપોર્ટ મુજબ, આરોપીએ રવિવારે સવારે પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર કૉલ કર્યો હતો અને કેન્દ્રીય મંત્રીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસ તુરંત એક્શનમાં આવી ગઈ હતી. ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.


પોલીસે આરોપીને નાગપુરના બીમા દવાખાના પાસેથી ઝડપી લીધો છે. તપાસમાં ધરપકડ કરાયેલા આરોપી તુલસી બાગ રોડનો રહેવાસી વિષ્ણુ રાઉત હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસે કહ્યું કે, આરોપી કથિત દેશી દારુની દુકાન પર કામ કરે છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, બોંબની ધમકીનો કૉલ ફેક હોવાનું સામે આવ્યું છે.