ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ,

May 19, 2025

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને આજે સોમવારે મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત લીધી હતી. બિહાર ચૂંટણી પહેલાં બંને દિગ્ગજ નેતાઓની મુલાકાતથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. બંને વચ્ચે કયાં મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હશે તે જાણવા સૌ કોઈ આતુર બન્યા છે.

મુખ્યમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં જેડીયુના વરિષ્ઠ નેતા તથા જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચૌધરી પણ ઉપસ્થિત હતાં. મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે પાસવાનની આ મુલાકાત ઔપચારિક હોવાનું જણાવવામાં આવ્યું છે.

ચિરાગ પાસવાને મુખ્યમંત્રી સાથે ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ અને બિહાર માટે આ દિશામાં હાથ ધરવામાં આવેલી પહેલ વિશે વાત કરી હતી. આ સંદર્ભે યોજાનારા એક કાર્યક્રમ વિશે પણ મુખ્યમંત્રીને માહિતી આપી હતી. નીતિશ કુમારે આ માટે ચિરાગ પાસવાનને અભિનંદન પાઠવ્યા હતાં. આ બેઠકમાં તેમની સાથે તેમના પક્ષના કેટલાક નેતાઓ પણ હાજર હતા.
તાજેતરમાં મુખ્યમંત્રીએ બિહારમાં NDA નેતાઓ સાથે ચૂંટણીના મુદ્દા પર અલગથી મુલાકાત કરીને ચર્ચા શરૂ કરી છે. આ ક્રમમાં, JDUના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેઓ આરએલએમ નેતા ઉપેન્દ્ર કુશવાહાને પણ મળ્યા હતા. ચિરાગ પાસવાન સાથેની તેમની મુલાકાતને આ શ્રેણીનો જ એક ભાગ માનવામાં આવી રહ્યો છે. લોજપાના નેતાઓએ કહ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં બિહારમાં એનડીએ સંપૂર્ણપણે સાથે છે.