ઉત્તર ગુજરાતને મળશે નવી રેલવે કનેક્ટિવિટી: તારંગા-અંબાજી-આબુરોડ રેલવે લાઈનના બે તબક્કા પૂર્ણતાના આરે

November 28, 2026

પોશીના: પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ 2,798.16 કરોડના ખર્ચે 4 તબક્કામાં બની રહેલા 116.65 કિ.મી. લાંબા તારંગા-અંબાજી-આબુરોડ નવીન રેલવે લાઈન પ્રોજેક્ટના પ્રથમ બે તબક્કાની કામગીરી પૂર્ણતાના આરે છે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, 0થી 61 કિ.મી.ના આ ટ્રેકનું બાકીનું કામ આગામી 3થી 4 મહિનામાં પૂર્ણ કરીને કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ)ની હાજરીમાં ટ્રાયલ રન અને ટેસ્ટિંગ હાથ ધરાશે. સફળ ટેસ્ટિંગ બાદ અંદાજે 4થી 5 મહિનામાં મુસાફરો માટે નિયમિત ટ્રેન સેવા શરૂ થવાની શક્યતા છે, જેનાથી સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના લોકોને સીધી કનેક્ટિવિટી મળશે.

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં તારંગા હિલ વરેઠાથી દલપુરા સુધી 32.88 કિ.મી. અને બીજા તબક્કામાં દલપુરાથી આંબામહુડા સુધી 27.27 કિ.મી.નો માર્ગ આવરી લેવાયો છે. કુલ 15 પૈકી 9 સ્ટેશનો વચ્ચે ટૂંક સમયમાં ટ્રેન દોડતી થશે, જેમાં સ્ટેશન નંબર 1 વરેઠા તારંગા હિલથી શરૂ થઈને ન્યુ તારંગા હિલ, સતલાસણા, મુમનવાસ, મહુડી, દલપુરા, રૂપપુરા, હડાદ અને સ્ટેશન નંબર 9 આંબામહુડા (પોશીના)નો સમાવેશ થાય છે.

વધુમાં, 61 કિ.મી.ના આ રૂટમાં મોટા ભાગનો વિસ્તાર મેદાની અને અર્ધ-પહાડી હોવાથી બાંધકામ ઝડપથી આગળ વધી શક્યું છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે સમગ્ર રૂટ પર દલપુરા પાસે માત્ર એક જ 250 મીટર લાંબી ટનલ બનાવવાની જરૂર પડી છે. ઉપરાંત, આ બંને તબક્કાના રૂટ પર કુલ 30 મેજર બ્રિજ, 122 માઈનર બ્રિજ, 17 રોડ અંડર બ્રિજ અને 5 રોડ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે.

બીજી તરફ, નવી રેલવે સેવા શરૂ થવાથી મુસાફરોના સમય અને નાણાં બંનેની બચત થશે. હાલમાં આંબામહુડા (પોશીના)થી તારંગા હિલ જવા માટે હડાદ-દાંતા-સતલાસણા રોડ માર્ગે અંદાજે 67 કિ.મી.નું અંતર કાપવું પડે છે, જેમાં 2થી 2.15 કલાક જેટલો સમય લાગે છે. જ્યારે નવા 61 કિ.મી.ના રેલવે માર્ગે 9 સ્ટેશનો પસાર કરીને અંદાજે 1.15થી 1.30 કલાકમાં સરળ અને સસ્તી મુસાફરી થઈ શકશે, જોકે ચોક્કસ સમય ટ્રેન શરૂ થયા બાદ જ જાણી શકાશે.