કોવિડ રસીની આડઅસર તથ્યપૂર્ણ હતી': ઝકરબર્ગના નિવેદન પર ઇલોન મસ્કે 'હા' કહી સમર્થન આપ્યું

November 28, 2026

કોવિડ-19 રસીની સંભવિત આડઅસરોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઇલોન મસ્કે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગના દાવા સાથે સહમતી દર્શાવી છે. શનિવારે સવારે મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઝકરબર્ગના એક જૂના ઇન્ટરવ્યૂનો વીડિયો રિપોસ્ટ કરીને 'હા' લખ્યું હતું. આ વીડિયોમાં ઝકરબર્ગે કોરોના રસીકરણ અભિયાન દરમિયાન રસીની સંભવિત આડઅસરોની માહિતી છુપાવવા માટે અમેરિકન સરકાર દ્વારા દબાણ કરાયું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર કોવિડ રસીની આડઅસરો અંગે અવારનવાર વિવિધ દાવા થતા રહે છે, ત્યારે મસ્કના આ સમર્થનથી સમગ્ર વિવાદને વધુ વેગ મળ્યો છે. એક યુઝરે ઝકરબર્ગના પોડકાસ્ટ ઇન્ટરવ્યૂનો સંદર્ભ આપીને પોસ્ટ કરી હતી, જેમાં રસીની આડઅસર સંબંધિત માહિતી હટાવવા માટે મેટા પર દબાણ થયાનો દાવો કરાયો હતો, જેને મસ્કે રિપોસ્ટ કરીને પોતાની હામી ભરી હતી.

વધુમાં, વર્ષ 2025માં એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન માર્ક ઝકરબર્ગે કોરોના કાળમાં કન્ટેન્ટ મોડરેશન અંગે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે રસીકરણ અભિયાનને આગળ વધારતી વખતે અમેરિકન વહીવટીતંત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર દબાણ લાવીને રસીની સંભવિત આડઅસરનો ઉલ્લેખ કરતી સામગ્રી હટાવવા માટે કહેવામાં આવ્યું હતું.

બીજી તરફ, ઝકરબર્ગે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે મેટાએ આવી સામગ્રી હટાવવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેમના મતે રસીની આડઅસર અંગેની બાબત તથ્યપૂર્ણ રીતે સાચી હતી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે તેઓ પોતે આ ચર્ચામાં સીધી રીતે જોડાયેલા ન હતા અને માત્ર પોતાની જાણકારી મુજબ આ વાત કહી રહ્યા છે, પરંતુ એકંદરે જોવામાં આવે તો રસીના ગેરફાયદા ઓછા અને ફાયદા વધુ છે.