26 ઓવર ફેંકી છતાં એક પણ વિકેટ નહીં, બુમરાહે બનાવ્યો શરમજનક રેકોર્ડ

November 28, 2026

ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટના બીજા દિવસે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ્સ 356 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી આકાશ દીપે શાનદાર બોલિંગ કરીને 99 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપનારા ભારતીય ફાસ્ટ બોલરોના ખાસ ક્લબમાં સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, જસપ્રીત બુમરાહ માટે આ મેચ નિરાશાજનક રહી હતી. તેણે 26 ઓવર બોલિંગ કરી હોવા છતાં એક પણ વિકેટ મળી નહોતી. ન્યૂઝીલેન્ડે બીજા દિવસની શરૂઆત 5 વિકેટે 246 રનથી કરી હતી. ભારતીય બોલરોએ સવારે જ ગ્લેન ફિલિપ્સને 36 રને આઉટ કર્યો હતો. અંશુલ કંબોજે તેની વિકેટ ઝડપી હતી. જોકે, બીજા છેડે ટોમ બ્લંડેલે શાનદાર બેટિંગ ચાલુ રાખી હતી. લંચ સુધીમાં તે 80 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેને નાથન સ્મિથનો સાથ મળ્યો હતો, જેણે 26 રન બનાવ્યા હતા.

આકાશ દીપે નાથન સ્મિથને કેચ એન્ડ બોલ્ડ કરીને ભારતને સાતમી સફળતા અપાવી હતી. ત્યાર બાદ બ્લંડેલ અને કાઇલ જેમિસને ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડનો સ્કોર 300ને પાર પહોંચાડ્યો હતો. આકાશ દીપે જેમિસનને 19 રને આઉટ કરીને પોતાની ચોથી વિકેટ મેળવી હતી. ત્યાર બાદ ગુરનૂર બરારે ટોમ બ્લંડેલની વિકેટ ઝડપી હતી. બ્લંડેલે 211 બોલમાં 89 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગ્સ 116.3 ઓવરમાં 356 રને પૂરી થઈ હતી. આકાશ દીપે 99 રનમાં 5 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની બીજી પાંચ વિકેટની સિદ્ધિ છે. અંશુલ કંબોજ અને ગુરનૂર બરારે પણ 2-2 વિકેટ ઝડપી હતી. કંબોજે 79 અને ગુરનૂરે 78 રન આપ્યા હતા.

આકાશ દીપે ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપનારા ભારતીય ફાસ્ટ બોલરોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં ઝહીર ખાન ચાર વખત પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ સાથે પ્રથમ ક્રમે છે. ઇશાંત શર્માએ ન્યૂઝીલેન્ડમાં ત્રણ વખત આ કારનામું કર્યું છે. જ્યારે મદનલાલ અને જવાગલ શ્રીનાથે એક-એક વખત પાંચ વિકેટ ઝડપી હતી. હવે આકાશ દીપ પણ આ યાદીમાં સામેલ થયો છે.

આ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. તેણે 26 ઓવર બોલિંગ કરી હતી, પરંતુ એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. ટેસ્ટની એક ઇનિંગ્સમાં વિકેટ વિના 26 ઓવર ફેંકવાનો આ તેના કરિયરમાં સંયુક્ત રીતે સૌથી મોટો આંકડો છે. આ પહેલાં 2021માં સાઉથમ્પટનમાં ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ બુમરાહે 26 ઓવર ફેંકીને 57 રન આપ્યા હતા, પરંતુ એક પણ વિકેટ મળી નહોતી. આ જ વર્ષે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે પણ તેણે 26 ઓવરમાં 79 રન આપ્યા હતા અને વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.