બદલો લેવાનું ન વિચારતાં..' UN પ્રમુખની ઈઝરાયલને ચેતવણી, અમેરિકાએ કહ્યું- ઈરાનનું કંઈક તો કરો

April 15, 2024

દુનિયામાં અત્યારે અનેક મોરચાઓ પર યુદ્ધ ચાલી રહ્યા છે ત્યારે ઈરાને ઈઝરાયલ પર હુમલો કરીને વધુ એક મોરચો ખોલી દીધો છે. સીરિયામાં પોતાના દુતાવાસ પર ઈઝરાયલના હુમલાનો બદલો લેવા ઈરાને 13 દિવસે અંતે શનિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર 300થી વધુ મિસાઈલ અને ડ્રોનનો હુમલો કર્યો હતો. હવે UN આ યુદ્ધને ટાળવાનો પ્રયાસ કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એક રિમાઈન્ડર જારી કરીને કહ્યું છે કે, ઈઝરાયલ પર ઈરાનના હુમલા બાદ બદલો લેવા માટે કરવામાં આવેલ બળ પ્રયોગ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પ્રતિબંધિત છે. બીજી તરફ અમેરિકાએ સુરક્ષા પરિષદને ચેતવણી આપી છે કે, તે તેહરાનને સંયુક્ત રાષ્ટ્રમાં જવાબદાર ઠેરવવા માટે કામ કરશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક બેઠકમાં ગુટેરેસે સદસ્ય દેશોને કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર કોઈ પણ રાજ્યની ક્ષેત્રીય અખંડિતતા અથવા રાજનીતિક સ્વતંત્રતા વિરુદ્ધ બળ પ્રયોગ પર રોક લગાવે છે. તેમણે ઈઝરાયલ પર ઈરાનના હુમલાની નિંદા કરી અને હવે તેનાથી આગળ વધવા વિરુદ્ધ ચેતવણી આપી છે. 
હવે તણાવ ઓછો કરવાનો સમય છે ઈરાને શનિવારે ઈઝરાયલ પર 200થી વધુ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોએ ઈરાનની નિંદા કરી હતી. અમેરિકાએ ઈઝરાયેલની સુરક્ષા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે. ગુટેરેસે બેઠકનમાં કહ્યું કે, મધ્ય પૂર્વ યુદ્ધની કગાર પર છે. આ ક્ષેત્રના લોકો વિનાશકારી સંઘર્ષના વાસ્તવિક ખતરાનો સામનો કરી રહ્યા છે. હવે તણાવ ઓછો સમય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ડેપ્યુટી અમેરીકી રાજદૂત રોબર્ટ વૂડે 15 સભ્યોની સંસ્થાને ઈરાનના હુમલાની સ્પષ્ટ નિંદા કરવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે સુરક્ષા પરિષદની જવાબદારી છે કે, તે ઈરાન પર એક્શન લે. તેમણે આગળ કહ્યું કે, હું સ્પષ્ટ કરી દઉં છું કે,  જો ઈરાન અથવા તેના પ્રતિનિધિઓ યુનાઈટેડ સ્ટેટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરશે અથવા ઈઝરાયલ વિરુદ્ધ આગળ કાર્યવાહી કરશે તો તેના માટે ઈરાન જવાબદાર રહેશે.