નોવાક જોકોવિચે રચ્યો ઈતિહાસ, મેદેવદેવને હરાવી યુએસ ઓપનનો ખિતાબ જીત્યો

September 11, 2023

સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે અમેરિકી ઓપન 2023માં મેન્સ સિંગલનો ખિતાબ જીત્યો છે. ન્યૂયોર્કના આર્થર એશે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં બીજા ક્રમાંકિત જોકોવિચે ત્રીજા ક્રમાંકિત રશિયાના ડેનિલ મેદવેદેવને સીધા સેટમાં 6-3, 7-6 (5), 6-3થી હરાવ્યો હતો. નોવાક જોકોવિચનું આ 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતું. હવે જોકોવિચ ઓપન એરામાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ સિંગલ ટાઇટલ જીતનાર ખેલાડી બની ગયો છે.

36 વર્ષીય જોકોવિચે ઓપનર યુગમાં 23 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતનાર અમેરિકાની સેરેના વિલિયમ્સને પાછળ છોડી દીધી છે. ઓસ્ટ્રેલિયાની માર્ગારેટ કોર્ટે પણ 24 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા હતા પરંતુ આમાંથી 13 ટાઇટલ ઓપન એરા પહેલા આવ્યા હતા. ટેનિસમાં ઓપન એરાની શરૂઆત વર્ષ 1968માં થઈ હતી. જો જોકોવિચ વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતશે તો તે ટેનિસ ઈતિહાસમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ જીતવાની બાબતમાં માર્ગારેટ કોર્ટને પાછળ છોડી દેશે.