હવે ગુજરાતમાં નકલી ઓપરેશનનું કૌભાંડ! પરિવાર નિયોજનના ઓપરેશનમાં પોલંપોલ

December 06, 2023

મહેસાણાઃ મહેસાણામાં સામે આવેલા કુટુંબ નિયોજન ઓપરેશનના કૌભાંડના એક બાદ એક પાના ખૂલી રહ્યા છે. 300 જેટલા કુટુંબ નિયોજન ઓપરેશન કૌભાંડમાં 6 હેલ્થ વર્કર સહિત 16ના નામ ખુલ્યા છે. વસ્તી નિયંત્રણ માટે સ્વાસ્થ્ય વિભાગ કુટુંબ નિયોજનના જુદા જુદા કાર્યક્રમો ચલાવે છે. આરોગ્ય કેન્દ્રોમાં આ માટેના ઓપરેશન પણ કરવામાં આવે છે. જો કે મહેસાણામાં કુટુંબ નિયોજનના ઓપરેશનની કામગીરીમાં કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. 


અગાઉ સામે આવ્યું હતું કે 10 જેટલા મહિલા હેલ્થ વર્કર્સે 300 જેટલા ઓપરેશનનું કૌભાંડ આચર્યું છે, જો કે પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં 6 મહિલા હેલ્થ વર્કર સહિત 16 કર્મચારીઓના નામ સામે આવ્યા છે. ઓપરેશનનો બનાવટી આંક પણ વધીને 659નો થયો છે. આ તમામ આંકડા આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધીના છે.. કૌભાંડમાં સંડોવાયેલી તમામ મહિલા હેલ્થ વર્કર્સને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. કેમ કે આરોગ્ય કર્મીઓએ ઓપરેશનના જે આંકડા આપ્યા હતા, તેમાં કોઈ વ્યક્તિનું નામ જ નથી. એટલે કે ઓપરેશન કર્યા વિના જ ઓપરેશનના આંકડા આપી દેવાયા. 


લાખવડી ભાગોળ અને નાગલપુર અર્બન હેલ્થ સેન્ટરમાં સામે આવેલું આ કૌભાંડ પોતાનામાં ઘણા સવાલ ઉભા કરે છે. સૌથી મોટો સવાલ એ છે કે શું ફક્ત ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા જ કર્મચારીઓએ ખોટા આંકડા આપી દીધા. શું આ પ્રકારનું કૌભાંડ વ્યાપક છે.  તાલુકા આરોગ્ય અધિકારીએ આ અંગેની શક્યતાને નકારી કાઢી નથી, પણ કુટુંબ નિયોજનની કામગીરીમાં આરોગ્ય વિભાગનો બચાવ જરૂર કર્યો છે.