હવે AC નું તાપમાન 20 ડિગ્રીથી નીચે સેટ નહીં કરી શકાય, સરકાર લાવી રહી છે નવો નિયમ

June 11, 2025

ભારત એક ગરમ પ્રદેશ છે. ઉનાળામાં દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડીગ્રીથી વધી જતું હોય છે. અસહ્ય ગરમીથી બચવાનો આસાન ઉપાય છે AC. મોટાભાગના ભારતીયો AC નું તાપમાન 16 થી 20 ડીગ્રી જેટલું નીચું રાખતા હોય છે. જોકે, હવે આમ કરવું શક્ય નહીં હોય, કેમ કે ભારત સરકાર એવો નિયમ લાવી રહી છે જેમાં AC નું તાપમાન 20 ડિગ્રીથી નીચે અને 28 ડીગ્રીથી ઉપર સેટ નહીં કરી શકાય. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, ‘એર કન્ડીશનિંગના ધોરણો અંગે ટૂંક સમયમાં એક નવી જોગવાઈ લાગુ કરવામાં આવી રહી છે. AC માટે તાપમાન ધોરણ 20 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ કરવામાં આવશે, જેનો અર્થ છે કે આપણે 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે અને 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉપર તાપમાન સેટ કરી શકીશું નહીં.’ સરકારના 2047ના વિઝનની રૂપરેખાના ભાગરૂપે આ જાહેરાત કરાઈ છે. AC તાપમાન માટેનો નિયમ લાગુ કરવા પાછળનો હેતુ ઉર્જા બચાવવા, વીજળીનો વપરાશ ઘટાડવા અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે. આ નિયમથી લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરશે. હાલમાં દેશમાં AC નું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ 30 સુધી સેટ કરી શકાય છે. ઘણા લોકો AC નું તાપમાન 16 થી 18 ડિગ્રી જેટલું રાખીને પછી ધાબળા ઓઢીને સૂતા હોય છે. એનો કોઈ અર્થ નથી, કેમ કે આમ કરવું ખિસ્સા અને શરીર બંને માટે હાનિકારક છે. AC નું તાપમાન 24 ડીગ્રી પર રાખો એ આદર્શ સ્થિતિ છે, કેમ કે એ શરીરની સાથે વીજળી પણ બચાવે છે, પણ લોકો સમજતાં નથી, તેથી સરકાર આ નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ નિયમ ફક્ત ઘર અને ઓફિસ ઈમારતો માટે જ નહીં, વાહનોમાંના AC પર પણ લાગુ થશે.