વિધાનસભામાં OBC અનામત બિલ પસાર,પાલિકા અને પંચાયતોમાં 27 ટકા અનામત લાગુ થશે

September 15, 2023

ભાજપ સરકારે 2014માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલા માટે 50 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતોઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારે ઘણા સમયથી ચર્ચામાં રહેલો ઝવેરી પંચનો રીપોર્ટ જાહેર કરાયો હતો. ગ્રામિણ અને શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC અને ST અનામતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે ઉપરાંત OBCને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી.ત્યારે આજે રાજ્ય સરકારે વિધાનસભામાં OBC અનામત બિલ એટલે કે ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયક-2023 પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પસાર થતાં હવે પાલિકા અને પંચાયતોમાં 27 ટકા અનામત લાગુ થશે.વિધાનસભામાં OBC અનામત બિલ પસાર થતાં આઠ મહાનગર પાલિકામાં 181 બેઠક, 33 જિલ્લા પંચાયતોમાં 206 બેઠક, તાલુકા પંચાયતમાં 906 બેઠક, 156 નગરપાલિકામાં 1270 બેઠક અને ગ્રામપંચાયતમાં 22,617 બેઠક OBC સમાજ માટે અનામત થશે.


રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 20-12-1972ના રોજ બક્ષી કમિશન રચવામાં આવ્યું હતું અને 82 જાતિને અનામત આપવાની ભલામણ કરાઈ હતી. તે સમયે ગુજરાતની માધવસિંહ સરકારે અમલ કરવાનું ટાળ્યું હતું. બાદમાં જનતા દળની સરકારે 1-4-1978ના ઠરાવથી અનામત આપી હતી. 7-6-1980થી 30-3-1985 સુધી માધવસિંહની સરકારમાં કોઇ પગલાં ન લેવાયાં. 1993માં આ જ વિધાનસભામાં વિધેયક લાવવામાં આવ્યું ત્યારે અમારા પક્ષે જ સંપૂર્ણ ટેકો આપ્યો હતો. 2006થી ભારતની શૈક્ષણિક સંસ્થામાં OBCની શરૂઆત થઇ છે. 10-4-2008માં સુપ્રીમકોર્ટે 20 ટકા અનામતના નિર્ણયને યોગ્ય ગણ્યો છે. ગુજરાતની ભાજપ સરકારે 2014માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મહિલા માટે 50 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો.