પહલગામ હુમલોઃ દેશના વોન્ટેડ આતંકી પન્નુએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન

April 28, 2025

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું છે. તેણે ભારતના બદલે પાકિસ્તાનને સમર્થન આપતાં નિવેદન આપ્યું છે કે, અમે પંજાબની સરહદો પરથી ભારતને પાકિસ્તાન પર હુમલો નહીં કરવા દઈએ. ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી અને એસએફજે  (શીખ ફોર જસ્ટિસ)ના પ્રમુખ પન્નુએ આઝાદ ડિજિટલના માધ્યમથી ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. તેમજ ભારતને ધમકી આપી છે કે, આ 1965 કે 1971 નથી.... 2025 છે. હું પાકિસ્તાનની જનતાને વિશ્વાસ આપું છું કે, અમે પાકિસ્તાનની સાથે ઈંટની જેમ ઉભા છીએ. કોઈ પણ ભારતીય સેનાની તાકાત નથી કે, તે પંજાબ ક્રોસ કરી પાકિસ્તાન પર હુમલો કરે. કારણકે, પાકિસ્તાનનું નામ જ પાક છે. પન્નુએ કહ્યું કે, અહીં પાકિસ્તાનને સમજવાની જરૂર છે, શીખ સમજી ચૂક્યા છે. જો કે, પન્નુએ પાકિસ્તાનની સરકાર અને આવામની સામે ખાલિસ્તાનને માન્યતા આપવાની શરત મૂકી છે. તેણે પહલગામમાં હિન્દુઓના નરસંહાર પર ભારત પર જ આરોપ મૂક્યો છે કે, આ હુમલા પાછળ રાજનીતિ થઈ છે. ભારતે પાકિસ્તાનને વિખુટો પાડી દેવા હિન્દુઓની હત્યા કરી છે. વિશ્વભરમાં અમે પાકિસ્તાન સાથે ઉભા રહીશું. અને ખાતરી કરીશું કે, ભારતની કૂટનીતિથી પાકિસ્તાન એકલું ન પડી જાય. પન્નુએ કહ્યું કે, જે પહલગામમાં બન્યું, જે લોકોએ હિન્દુઓને માર્યા, તેનું કારણ સમજવુ જરૂરી છે. તેનું રાજકીય કારણ છે. ગંદા રાજકારણ માટે આ ઘટનાને અંજામ આપવામાં આવી છે. પહલગામમાં જે હિન્દુઓનો નરસંહાર થયો, તે ચૂંટણી જીતવા માટે થયો છે. ચૂંટણી જીતવા તેમજ પાકિસ્તાનને એકલું પાડી દેવાં માટેનું ષડયંત્ર છે. પાકિસ્તાનને આતંકવાદ ફેલાવનારૂ માની તેમણે પોતાના જ હિન્દુ ધર્મના લોકોને મારી નાખ્યા.