વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારત રમવા આવશે, પાકિસ્તાન સરકારે મંજૂરી આપી

August 06, 2023

કરાચી-પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી રવિવારે એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે કે અમારી ટીમ વર્લ્ડકપ રમવા માટે ભારત આવશે. આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારીઓ સહિત ઘણા પૂર્વ ક્રિકેટરોએ આ અંગે નિવેદનો આપ્યા હતા. વિશ્વકપની સૌથી ચર્ચિત મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. પાકિસ્તાન સરકારે આખરે 'મેન ઇન ગ્રીન'ને ICC વર્લ્ડ કપ-2023 માટે ભારત પ્રવાસ કરવાની મંજૂરી આપી દીધી છે.


વિદેશ મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં કહ્યું, 'પાકિસ્તાન સતત કહે છે કે રમતને રાજકારણ સાથે ભેળવવી ન જોઈએ. તેથી, અમે આગામી ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રમવા માટે અમારી ક્રિકેટ ટીમને ભારત મોકલવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન માને છે કે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિ તેની આંતરરાષ્ટ્રીય રમત-સંબંધિત જવાબદારીઓને પૂર્ણ કરવામાં અવરોધ ન આવે.


જોકે, પાકિસ્તાન સરકારે પોતાની ક્રિકેટ ટીમની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું, 'અમે આ ચિંતાઓ અંગે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ભારતીય અધિકારીઓને જાણ કરી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમની ભારત મુલાકાત દરમિયાન તેમની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.