અંતરિક્ષમાં 'પેટ્રોલ પંપ' અને AI લેબ: ISROએ 'અન્વેષા' સેટેલાઇટ સાથે રચ્યો ઇતિહાસ

January 12, 2026

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ વર્ષ 2026ની ધમાકેદાર શરૂઆત કરતાં આજે વધુ એક ઇતિહાસ રચી દીધો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી આજે, 12 જાન્યુઆરીએ સવારે 10:17 વાગ્યે, ISROના ભરોસાપાત્ર રોકેટ PSLV-C62ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન માત્ર એક રૂટિન લોન્ચ નથી, પરંતુ તે ભારત માટે અનેક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે.

PSLV-C62 રોકેટે 16 ઉપગ્રહોના સમૂહને સન-સિંક્રોનસ પોલર ઓર્બિટમાં સ્થાપિત કર્યા છે, જેમાં દેશનો અત્યંત મહત્વપૂર્ણ સંરક્ષણ ઉપગ્રહ 'અન્વેષા' (EOS-N1), ભારતની પ્રથમ ઓર્બિટલ AI-ઇમેજ લેબોરેટરી અને અવકાશમાં સેટેલાઇટ માટેનો પ્રથમ 'પેટ્રોલ પંપ' (ઓન-ઓર્બિટ રિફ્યુલિંગ મોડલ) સામેલ છે.

આ મિશનનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો EOS-N1 છે, જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવેલો એક અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. આ ઉપગ્રહ દેશની સંરક્ષણ ક્ષમતાઓને નવી ઊંચાઈ પર લઈ જશે અને સરહદો પર નજર રાખવામાં મદદ કરશે. લોન્ચિંગ બાદ DRDO દ્વારા વિકસિત 'અન્વેષા' સેટેલાઇટની પ્રથમ તસવીરો પણ સામે આવી છે.

આ મિશનમાં ચેન્નઈના સ્ટાર્ટઅપ OrbitAid Aerospace દ્વારા વિકસિત 'આયુલસેટ' (AayulSAT) નામનો ઉપગ્રહ પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જે અવકાશમાં 'પેટ્રોલ પંપ' જેવું કામ કરશે. સામાન્ય રીતે, કોઈ પણ સેટેલાઇટનું આયુષ્ય તેમાં રહેલા બળતણ પર નિર્ભર કરે છે. બળતણ સમાપ્ત થયા પછી, સેટેલાઇટ નકામો બની જાય છે અને અવકાશમાં કચરો બનીને ફરે છે.