નવી સંસદ તરફ કૂચ કરી રહેલા કુશ્તીબાજોને પોલીસે અટકાવતા હોબાળો, અનેકની અટકાયત

May 28, 2023

દિલ્હી- રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દેશના પ્રખ્યાત કુશ્તીબાજો જંતર-મંતર પર સતત ધરણા કરી રહ્યા છે. આ દરમિયાન કુશ્તીબાજોએ નવા સંસદ ભવન સામે 28 મેના રોજ મહિલા મહાપંચાયત યોજવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનનું ઉદઘાટન કરી દેતાં જ પહેલવાનો સંસદ ભવન તરફ આગળ વધવા લાગ્યા હતા.

આ દરમિયાન પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કરતાં અનેક પહેલવાનો બેરિકેડ તોડીને આગળ વધી ગયા હતા. જેના પગલે અનેક દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી. આ પહેલવાનો પગપાળા કૂચ કરી રહ્યા હતા. અગાઉ મંગળવારે વિરોધ કરી રહેલા કુશ્તીબાજોએ ન્યાયની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કૂચ કરી હતી. આ કૂચ પછી કુશ્તીબાજ વિનેશ ફોગાટે પત્રકારોને જણાવ્યું હતું કે "અમે નવા સંસદ ભવન સામે 28 માર્ચે શાંતિપૂર્ણ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું છે." વિનેશ ફોગાટે કહ્યું હતું કે આ મહાપંચાયતનું નેતૃત્વ મહિલાઓ કરશે. આ સાથે તેમણે કહ્યું કે આ જે અવાજ ઉઠાવવામાં આવ્યો છે તે દૂર દૂર સુધી પહોંચવો જોઈએ. જો આજે દેશની દીકરીઓને ન્યાય મળશે તો આવનારી પેઢીઓ તેનાથી પ્રેરણા લેશે.


વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા ટોચના કુસ્તીબાજો 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે. રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

મહિલા કુશ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, ત્યારબાદ 28 એપ્રિલે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં પોક્સો હેઠળ સગીર છોકરીની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્ય કુશ્તીબાજોના યૌન શોષણની ફરિયાદ પર બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે.