ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ શરૂ, ECએ કહ્યું- ટૂંક સમયમાં જાહેર કરીશું કાર્યક્રમ

July 23, 2025

21 જુલાઈના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. મંગળવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું. હવે ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જગદીપ ધનખડના રાજીનામાં બાદ ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંચે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, 'ભારતના ચૂંટણી પંચે 2025 ની ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી સંબંધિત તૈયારીઓ શરૂ કરી દીધી છે. તૈયારી પૂરી થયા પછી ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.' ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'ગૃહ મંત્રાલયે 22 જુલાઈ, 2025 ના રોજ એક સૂચના દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાં અંગે માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચને કલમ 324 હેઠળ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કરાવવાનો અધિકાર છે. આ ચૂંટણી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ 1952 અને તેના હેઠળ બનાવેલા નિયમો (રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો 1974) દ્વારા કરવામાં આવે છે.' ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે વધુ માહિતી આપતા પંચે કહ્યું કે, 'રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનો સમાવેશ કરતી ઇલેક્ટોરલ કોલેજની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, રિટર્નિંગ ઓફિસર/સહાયક રિટર્નિંગ ઓફિસરની નિમણૂકને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તેમજ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીઓ સંબંધિત માહિતી અને રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.' બંધારણના અનુચ્છેદ 66 મુજબ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોથી બનેલા મતદાર મંડળ દ્વારા અનુપાતિક પ્રતિનિધિ પદ્ધતિ (પ્રપોશનલ રિપ્રેઝન્ટેશન સિસ્ટમ)થી કરવામાં આવે છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે. જો કોઈ કારણોસર રાષ્ટ્રપતિનું પદ ખાલી થઈ જાય તો આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદની જવાબદારી સંભાળતા હોય છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માત્ર લોકસભા અને રાજ્યસભાના સાંસદો ભાગ લે છે. આ ચૂંટણીમાં નામાંકિત સભ્યો પણ ભાગ લે છે. જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા સાંસદ અને તમામ રાજ્યોના ધારાસભ્યો મતદાન કરે છે.