નવસારીના જલાલપોરમાં 5.24 ઇંચ વરસાદ

July 23, 2025

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાએ એક સપ્તાહ વહેલું, એટલે કે 17 જૂને પ્રવેશ કર્યો છે. સવા મહિનાના સમયગાળામાં વરસેલા વરસાદમાં રાજ્ય અને તેના કેટલાક જિલ્લાઓમાં ભારે વિષમતા જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.24 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ નવસારી શહેરમાં 4.25 ઇંચ, સુરતના મહુવામાં 2.20 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 2.13 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ 11 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 79 તાલુકામાં 1 કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે. 

આજ સુધીમાં ગુજરાતનો સરેરાશ મોસમનો 54 ટકા એટલે કે 19 ઇંચ વરસાદ થયો છે. જોકે, આ આંકડામાં પ્રાદેશિક ભિન્નતા સ્પષ્ટ દેખાઈ રહી છે. કચ્છમાં મોસમનો 64 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં 51 ટકા જ વરસાદ થયો છે.

સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં એકંદરે 16 ઇંચ વરસાદ વરસ્યો છે, જે મોસમનો 53.48 ટકા છે. જોકે, 33 જિલ્લાઓમાં પાટણ જિલ્લામાં સરેરાશ માત્ર 34 ટકા વરસાદ પડ્યો છે, જ્યારે ભાવનગર જિલ્લામાં 80 ટકા વરસાદ વરસી ગયો છે. આ વિષમતા દર્શાવે છે કે રાજ્યના કેટલાક વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં સંતોષકારક વરસાદ નોંધાયો છે.