સુરતમાંથી 26 કરોડની સોનાની દાણચોરી કરતું દંપતી ઝડપાયુંઃ CISF એ કરી ધરપકડ, DRI ઊંઘતી ઝડપાઈ

July 23, 2025

ગુજરાતના સુરતમાંથી સોનાની જપ્તીનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. સુરત એરપોર્ટ પરથી 25 કરોડ 57 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે પોલીસે દાણચોરી કરનાર દંપતી વિરલ અને ડોલીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આ દંપતી પેન્ટ, અન્ડરગાર્મેન્ટ્સ, હેન્ડબેગ અને ફૂટવેરમાં સોનું સંતાડીને આવી રહ્યા હતા. જોકે, બંનેની ચાલ શંકાસ્પદ લાગતા તેમની તપાસ કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ, રવિવારે (20 જુલાઈ) આ સમગ્ર કેસ સામે આવ્યો હતો. જેમાં એર ઈન્ડિયાની દુબઈની ફ્લાઇટમાંથી પતિ-પત્ની 24 કિલો 827 ગ્રામ સોનું અલગ-અલગ ચીજવસ્તુમાં સંતાડીને ભારતમાં લાવી રહ્યા હતા. આ દંપતી અંડર ગાર્મેન્ટ, પેન્ટ, હેન્ડબેગ અને ફૂટવેર જેવી ચીજવસ્તુઓમાં સોનું સંતાડીને લાવી રહ્યા હતા. જોકે, બંને પર શંકા જતા CISF દ્વારા દંપતિની પૂછપરછ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન દંપતિ પાસેથી 25 કિલો સોનું મળી આવ્યું હતું.  નોંધનીય છે કે, એરપોર્ટ પરથી આવડી મોટી સોનાની દાણચોરી થવાની જાણ કસ્ટમ વિભાગ, DRI કે ઈડીને પણ થઈ નહતી. મહત્ત્વનું છે કે, આ ત્રણેય વિભાગની ઓફિસ સુરતમાં હોવા છતાં દુબઈથી આટલી મોટી સંખ્યામાં સોનું આવવાનું છે તે અંગેની તેમને જાણ ન થવાથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.  આ કેસ મની લોન્ડરિંગ અને હવાલા સાથે જોડાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, CISF દ્વારા પોતાની કાર્યવાહી કરી અને તપાસ બાદ કસ્ટમ વિભાગ તેમજ ઈડી જેવી સંબંધિત એજન્સીઓને કેસની સોંપણી કરી દેવામાં આવી છે.