દિલ્હી-NCRમાં વરસાદી માહોલ, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

July 23, 2025

દિલ્હીમાં વાતાવરણમાં જબરદસ્ત પલટો આવ્યો છે. દિલ્હીમાં વરસાદ શરૂ થયો છે. સવારમાં જ વરસાદી માહોલ જોવા મળતા શહેરીજનોને બફારાથી રાહત મળી હતી. વરસાદને કારણે એક તરફ આહ્લાદ્ક વાતાવરણ જોવા મળ્યું હતું. મહત્વનું છે કે દિલ્હીમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સવારના પહોરમાં જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થતા જ શહેરીજનોએ વાહનોની હેડલાઇટ શરૂ કરવી પડી હતી.

બીજી તરફ વરસાદને કારણે કાવડીયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મંગળવારે પણ અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી પણ ભરાયા હતા. પરિણામે વાહનચાલકોએ થોડી પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.  હવામાન વિભાગે આગામી 4-5 દિવસ વાદળછાયુ વાતાવરણ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગે આજ માટે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. આઇટીઓથી ઓલ્ડ રોહતક રોડ, દિલ્હી જયપુર હાઇવે, મહરૌલી બદરપુર રોડ, પીરાગઢીથી આઇએસબીટી, મધુવન ચોક, દિલ્હી-ગાઝિયાબાદ માર્ગ અને નેશનલ હાઇવે 9 પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો.