અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ, સતત છઠ્ઠા દિવસે માવઠું

May 11, 2025

અમરેલી- ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ત્યારે રવિવારે (11 મે, 2025) પોરબંદર, દ્વારકા, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે. હવામાન વિભાગે આગામી 13 મે, 2025 સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં 10 મેના 6 વાગ્યાથી 11 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 44 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. અમરેલી પંથકમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે, ત્યારે ભરઉનાળે માવઠું થતાં ખેડૂતોની ચિંતા વધી છે.  
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ થયો છે. જેમાં સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારો, બગસરા પંથકમાં સાપર, સુડાવડ ગામ, વડેરા, નાના ભંડારીયા, ચલાલા શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારો, સાવરકુંડલા શહેર, લાઠી સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થયુ હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે. 
અમરેલી પંથકમાં ભારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ભરઉનાળે વરસાદ થતાં ખેડૂતાના પાક પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે કેટલાક ખેતરોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.