ગુજરાતના 91 તાલુકામાં વરસાદ, જાણો કયા સૌથી વધુ થઇ મેઘમહેર

May 29, 2023

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ આવ્યો છે. સૌથી વધારે મહેસાણાના બહુચરાજીમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ બનાસકાંઠાના દાંતામાં 2.2 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ અમદાવાદ શહેરમાં 2.1 ઈંચ વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠાના વડગામ અને પાટણના ચાણસ્મામાં 2 ઈંચ આવ્યો છે. તેમજ મહેસાણાના જોટાણા અને બાવળામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. તથા કલોલ, સાબરકાંઠાના શિહોર અને વડાલીમાં 1.4 ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ નડિયાદ, પેટલાદ, કડીમાં 1.2 ઈંચ વરસાદ સાથે અમદાવાદમાં ગઈકાલે સરેરાશ 2 ઈંચ વરસાદ આવ્યો હતો. જેમાં જોધપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદના ચાંદખેડામાં 3 ઈંચ વરસાદ સાથે ગોતા અને સરખેજમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. તથા મણિનગર, ચાંદલોડિયા અને વટવામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગુજરાતમાં ઉનાળો અંતિમ તબક્કામાં છે. જોકે, ચોમાસું જાણે વહેલું બેસી ગયું હોય એમ ગુજરાતમાં રવિવારની સાંજથી ભારે પવન સાથે વરસાદે ધબધબાટી બોલાવી હતી.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે કાળઝાર ગરમીમાંથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હવામાન વિભાગની આગાહી છે કે આજથી આગામી 2 દિવસમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.