રાણી મુખરજીની ફિલ્મ વખણાઈ ખરી પણ ખાસ કમાણી ન થઈ

March 21, 2023

મુંબઈ : રાણી મુખરજીની ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' ક્રિટિક્સ દ્વારા બહુ વખણાઈ છે અને રાણીના દમદાર અભિનયના પ્રશંસા પણ થઈ છે. જોકે, તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ મોટો તહેલકો મચાવી શકી નથી. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ ૬. ૪૨ કરોડની કમાણી માંડ કરી શકી છે. જોકે, આ ફિલ્મ પાસેથી બહુ જંગી અંધાધૂંધ કમાણીની અપેક્ષા પણ ન હતી. પરંતુ,  ફિલ્મે જે પ્રમાણે રિવ્યૂ મેળવ્યા છે અને રાણીની એક્ટિંગના જે હદે પ્રશંસા થઈ રહી છે તેની સામે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન બહુ તગડું કહી શકાય તેમ નથી. સુત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મ હવે વીક ડેઝમાં કેવી કમાણી કરી શકે છે તેના પર નજર છે. જોકે, આ ફિલ્મ કોમેડિયન કપિલ શર્માની 'ઝ્વિગાટો' કરતાં આગળ નીકળી ગઈ છે. 'ઝ્વિગાટો' બે દિવસ દરમિયાન એક કરોડ રુપિયા પણ માંડ કમાઈ શકી છે .રવિવારે પણ તેનું કલેક્શન માંડ ૭૫ લાખ થઈ શક્યું હતું. સોમવારથી તો તેના સ્ક્રિન કાઉન્ટ પણ ઘટી જાય તેવી સંભાવના વધારે છે.