બંગાળમાં ખરેખર ખેલા હોબે? TMCના 21 ધારાસભ્યો BJPના સંપર્કમાં: મિથુન દાનો દાવો

September 24, 2022

દિલ્હી- ફિલ્મ અભિનેતામાંથી ભાજપના નેતા બનેલા મિથુન ચક્રવર્તીએ શનિવારે દાવો કર્યો છે કે, TMCના 21 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. શનિવારે હેસ્ટિંગ્સ સ્થિત ભાજપ કાર્યાલયમાં મળેલી સંગઠનાત્મક બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સમિતિના સભ્ય મિથુન ચક્રવર્તીએ કોલકાતાના ત્રણ જિલ્લાના નેતૃત્વ સાથે સીધી ચર્ચા શરૂ કરી હતી. 


આ દરમિયાન મિથુન ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે,નિરાશ થવાની કોઈ જરૂર નથી. આપણી લડાઈ ચાલુ રહેશે. આ સાથે ટીએમસીના 21 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનો દાવો ફરી એકવાર મિથુન દાએ કર્યો છે. તેમના આ દાવાથી બંગાળના રાજકારણમાં ફરી ખળભળાટ મચી ગયો છે.


પાર્ટીના કાર્યકરોએ મિથુન સાથેની બેઠકમાં દાવો કર્યો હતો કે,પંચાયત ચૂંટણી પહેલા રાજકીય રીતે સક્રિય થયા બાદ હવે તે સંગઠનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. આ અગાઉ પણ જુલાઈ મહિનાના અંતે BJPમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે શામેલ થનાર મિથુન દાદાએ દાવો કર્યો હતો કે TMCના કુલ 38 ધારાસભ્યો BJPના સંપર્કમાં છે અને તેમાંથી 21 ધારાસભ્યો તો સીધા મારા સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. જોકે રસપ્રદ વાત એ છે કે મિથુન ચક્રવર્તીના બંને સમયના નિવેદનની સરખામણી કરીએ તો જુલાઈમાં 38 ધારાસભ્યો હોવાનો દાવો થયો હતો જે હવે ઘટીને 31 થયા છે.


ઉલ્લેખનીય છે કે ૨૯૪ સભ્યોવાળી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં તૃણમુલ પાસે ૨૧૬ ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે ૭૫ ધારાસભ્યો છે. ઉલ્લેખનીય છે કે,અત્યાર સુધીમાં ભાજપના પાંચ ધારાસભ્યો તૃણમુલમાં જોડાઇ ગયા છે.