સીરિયામાં બળવાખોરોએ સત્તાપલટો કર્યો, બશર અલ અસદના શાસનનો અંત

December 08, 2024

ડામાસ્કોસ : મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલનું હમાસ અને હિઝબુલ્લાહ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે એવા સમયે સીરિયામાં એક સપ્તાહથી ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું છે. ત્યારે હવે સીરિયામાં બળવાખોરોએ સત્તાપલટો કરી નાખ્યો છે. સીરિયામાં બળવાખોરોએ દાવો કર્યો છે કે પ્રમુખ બશર અલ અસદના શાસનનો અંત આવી ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બળવાખોરો દમાસ્કસમાં ઘૂસ્યા બાદ સીરિયાના પ્રમુખ અસદ દેશ છોડીને અન્ય કોઈ જગ્યાએ ભાગી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અસદ રશિયા અથવા તેહરાન જઈ શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી.


મીડિયા અહેવાલ પ્રમાણે બશર અલ અસદ રશિયન કાર્ગો પ્લેનમાં સીરિયાથી રવાના થઈ ગયા છે અને અસદનું વિમાન પણ રડારથી ગાયબ છે. તેમની કોઈ માહિતી નથી મળી રહી. બીજી તરફ સીરિયાના વડા પ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ પોતાના ઘરેથી એક વિડિયો નિવેદન જારી કરીને કહ્યું કે, હું દેશમાં જ રહીશ અને સત્તાના સરળ હસ્તાંતરણ માટે કામ કરીશ.

બળવાખોરોએ સીરિયામાં કબજાનું એલાન કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અસદનો ભાઈ મહેર અલ અસદ પણ ભાગી ગયો છે. રાજધાની દમાસ્કસમાં ચારે બાજુથી બળવાખોરો ઘૂસી ગયા છે. રાષ્ટ્રપતિ ભવન પાસે ભીષણ લડાઈ જોવા મળી રહી છે. બળવાખોરોએ દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કબજો જમાવી લીધો છે. તેઓએ આર્મી હેડક્વાર્ટર પર પણ કબજો કરી લીધો છે. આ બળવાખોરોને અમેરિકા અને ઈરાનનું સમર્થન છે.
બળવાખોરોએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, અસદ શાસનનો અંત આવી ગયો છે. તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. તેમણે સીરિયાના લોકોને એકજૂઠ રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, સીરિયા પર હવે કોઈ એક વ્યક્તિનું વર્ચસ્વ નહીં રહેશે.