મુખ્ય ચૂંટણી કમિશનરનો આબાદ બચાવ, ખરાબ હવામાન વચ્ચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ

October 16, 2024

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના હેલિકોપ્ટરનું ઉત્તરાખંડના પિથોરાગઢમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને મુનસ્યારીના રાલમમાં લેન્ડિંગ કર્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરનું હેલિકોપ્ટર મિલમ તરફ જઈ રહ્યું હતું. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી વિજય કુમાર જોગદંડે પણ હાજર હતા. ખરાબ હવામાનના કારણે આ ઘટના બપોરે 1:00 વાગ્યે બની હતી. ડીએમએ સીઈસી રાજીવ કુમાર સાથે વાત કરી, તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે.   તમને જણાવી દઈએ કે, રાજીવ કુમાર દેશના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર છે. તેઓ 1 સપ્ટેમ્બર 2020થી ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી પંચનો હિસ્સો છે. તેમણે 15 મે 2022ના રોજ ચાર્જ સંભાળ્યો હતો અને 18 ફેબ્રુઆરી 2025 સુધી આ પદ સંભાળશે. બંધારણ પ્રમાણે ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે.