'રોહિત શર્માનો હાથ હંમેશા મારા ખભા પર રહેશે...' : હાર્દિક પંડ્યાએ MI ફેન્સના દિલ જીત્યાં

March 19, 2024

મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા અને હેડ કોચ માર્ક બાઉચરે સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે દરમિયાન હાર્દિક પંડ્યાએ રોહિત શર્મા વિશે ખુલીને વાત કરી હતી. તેમણે રોહિતના રોલ વિશે જણાવ્યું હતું. હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2022નું ટાઇટલ જીત્યું હતું જ્યારે 2023માં ગુજરાત ટાઇટન્સ રનર અપ બન્યું હતું.  IPL 2024 પહેલા હાર્દિક પંડ્યા અને હેડ કોચ માર્ક બાઉચરે સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ દરમિયાન બંનેએ રોહિતને લઈને ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે, શું તેણે મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળ્યા બાદ રોહિત સાથે વાત કરી છે? હાર્દિક પંડ્યાને પૂછવામાં આવ્યું કે, 'મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા પછી તમે રોહિત શર્મા સાથે વાત કરી?' પંડ્યાએ જવાબ આપ્યો, 'હા અને ના... તે સતત ટ્રાવેલ કરી રહ્યો હતો.' 
જ્યારે હાર્દિકને રોહિતની જગ્યાએ કેપ્ટન બનવા વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો કે, 'રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, જે મને મદદ કરશે. આ ટીમે જે કંઈ પણ હાંસલ કર્યું છે, તેણે રોહિતની કેપ્ટન્સીમાં હાંસલ કર્યું છે, હું બસ આ સફરને આગળ લઈ જઈશ, મેં મારી આખી કારકિર્દી તેની કેપ્ટનશિપમાં રમી છે, હું જાણું છું કે તેનો હંમેશા મારા ખભા પર હાથ રહેશે.