POCSO એક્ટમાં આવશે 'રોમિયો-જ્યુલિયટ ક્લોઝ'? સુપ્રીમ કોર્ટ રાહત આપવાના મૂડમાં!

January 11, 2026

દિલ્હી : સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂપયોગ અંગે ગંભીર ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, આ કાયદો બાળકોની સુરક્ષા માટે એક પવિત્ર અને સારા ઇરાદાનું પ્રતિક છે. જોકે અનેક કિસ્સામાં તેનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે. કોર્ટે કહ્યું કે, આ કાયદાને ખાસ કરીને તેવા કિસ્સામાં ખૂબ જ દુરુપયોગ થઇ રહ્યો છે જ્યાં કિશોરો (ટિનેજર્સ) વચ્ચે સંમતિથી સંબંધો બંધાયા હોય. પરંતુ પરિવારનો વિરોધ હોય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સમસ્યા અંગે ગંભીરતાથી વિચાર કરવા માટે જણાવ્યું છે. આવા કિસ્સામાં રાહત આપવા માટે રોમિયો-જુલિયેટ ક્લોઝ લાવવા અંગે પણ વિચાર કરવા માટે જણાવ્યું છે, જેથી વાસ્તવિક કિશોર જોડાઓને બિનજરૂરી ગુનાહિત કેસથી બચાવી શકાય.


ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ એન.કોટેશ્વર સિંહની પીઠે અલ્હાબાદ હાઈકોર્ટના એક ચુકાદા અંગે વ્યાપક નિર્દેશોને રદ્દ કરતા કેન્દ્ર સરકારને રોમિયો-જુલિએટ ક્લોઝ નો સમાવેશ કરવા માટેની ભલામણ કરી છે. આ ક્લોઝ તરૂણોને પ્રેમ બાદ સહમતિથી બંધાયેલા સંબંધો બાદ પોક્સોમાં ફસાતા અટકાવવામાં મદદ કરશે. કાયદાકીય કઠોરતાથી બચાવશે.  જ્યાં બન્ને પક્ષો સંમતીથી સંબંધોમાં હોય અને ઉંમરનું ખુબ જ સામાન્ય અંતર હોય. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ રાજ્ય વિરુદ્ધ અનુરુદ્ધ મામલે આવી, જ્યાં અલ્હાબાદ હાઇકોર્ટે POCSO નાં એક કિસ્સામાં આરોપીના જામીન આપતા સમગ્ર રાજ્યમાં લાગુ થનારા કેટલાક નિર્દેશ આપ્યા હતા. જેમાં ઉલ્લેખ હતો કે, POCSO ના કેસની શરૂઆતમાં પીડિતાની ઉંમરનો મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવામાં આવે અને કોર્ટ શાળા અથવા જન્મતારીખના દાખલા અંગે શંકા જતા જ જામીન ફગાવી દેવામાં આવે.