ભાજપ-JDUમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા, ખુદને 'મોદીનો હનુમાન' કહેનારા નેતાને લાગશે ઝટકો!

August 24, 2025

બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં સંભવિત વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય ગઠબંધનોએ તૈયારીઓ તેજ કરી છે. એક તરફ સત્તાધારી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) છે, તો બીજી તરફ વિપક્ષી INDIA ગઠબંધન પણ આ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ દરમિયાન NDAમાં બેઠકોની વહેંચણી લગભગ નિશ્ચિત થઈ ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.

બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકો છે. મીડિયા રિપોર્ટ મુજબ, NDAનો મુખ્ય પક્ષ ભાજપ અને જનતા દળ યુનાઈટેડ (JDU) વચ્ચે લગભગ 100-100 બેઠકો પર ચૂંટણી લડવા અંગે ચર્ચા થઈ છે. જોકે JDU 100થી ઓછી બેઠકો પર લડવા તૈયાર ન હોવાના અહેવાલ સામે આવ્યા છે.

NDA ગઠબંધનના અન્ય સાથી પક્ષોની વાત કરીએ તો, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP)એ 40 બેઠકોની માંગ કરી છે, પરંતુ તેમને લગભગ 20 બેઠકો મળવાની સંભાવના છે. બાકીની બેઠકો જીતન રામ માંઝીની હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા (RLM) જેવા પક્ષોમાં વહેંચવામાં આવશે. સંભાવના મુજબ, જો મુકેશ સહનીની વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP) I.N.D.I.A. ગઠબંધન છોડીને NDAમાં સામેલ થશે, તો સીટ શેરિંગના સમીકરણોમાં મોટો ફેરફાર આવી શકે છે.