વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન ફરી શરૂ કરવા માટે પોલીસ તંત્રની મંજૂરી માંગી

June 21, 2025

વડોદરા કોર્પોરેશનના કમાટીબાગમાં જોય ટ્રેન હેઠળ ગયા મે મહિના દરમિયાન જંબુસરની ચાર વર્ષની એક બાળકી અડફેટે આવી જતા તેનું મરણ થયું હતું, ત્યારથી જોય ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. ફરી જોય ટ્રેન ચાલુ કરવા માટે શહેર પોલીસ પાસે મંજૂરી માગવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બાળકીના મરણનો બનાવ બન્યા બાદ પોલીસ તંત્ર દ્વારા જ જોય ટ્રેન બંધ કરવાનો આદેશ આપ્યો હતો. હાલ જોય ટ્રેનના ડબ્બા અને એન્જિનની મેન્ટેનન્સની રૂટીન કામગીરી ચાલુ છે. મરણની ઘટના બન્યા બાદ જે સ્થળે અકસ્માત થયો હતો ત્યાં ટ્રેકની બંને બાજુ સેફટી ગ્રીલ ઊભી કરવામાં આવી છે, કારણ કે અહીં રોડ અને ટ્રેક સાવ અડીને જ હોવાથી અકસ્માત થવા ભય રહે છે. જોય ટ્રેનમાં એન્જિન ઉપરાંત ચાર ડબાજોડાયેલા રહે છે. જેમાં 144 એડલ્ટ મુસાફરો બેસી શકે તેવી ક્ષમતા છે. આ ટ્રેન કલાકના આઠ કિ.મીની સ્પીડે ગાર્ડનમાં દોડે છે. સામાન્ય દિવસોમાં તે સાત આઠ ચક્કર લગાવે છે, રવિવારે 10 થી વધુ રાઉન્ડ કાપે છે. એક રાઉન્ડ લેતા આશરે 20 એક મિનિટનો ટાઈમ થાય છે. છેલ્લા સાત વર્ષમાં આ ટ્રેન ચાર વખત બંધ કરવામાં આવી છે. જેમાં બે વખત અકસ્માત લીધે, એક વખત કોરોનાના કારણે અને એક વખત હરણી બોટ કાંડ થયા બાદ બંધ કરાઈ હતી.