બેલેટ પર ચૂંટણી યોજી બતાવો, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે' : પ્રિયંકા ગાંધી

December 13, 2024

દિલ્હી : સંસદમાં શિયાળુ સત્રમાં ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. વિપક્ષ અદાણી મુદ્દે ચર્ચા કરવાની માગ પર ભારે હોબાળો મચાવી રહ્યો છે ત્યારે સત્તા પક્ષે સોરોસ અને સોનિયાનો મુદ્દો ઊઠાવ્યો હતો. બીજી તરફ રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવના મુદ્દાથી માહોલ ગરમાયો હતો. રાજ્ય સભામાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને ધનખડ વચ્ચે ખટપટ થયા બાદ હોબાળો થતા રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. બીજી તરફ આજે લોકસભામાં બંધારણ મુદ્દે ચર્ચા થઈ જેમાં પ્રિયંકા ગાંધીએ પહેલીવાર લોકસભામાં ભાષણ આપ્યું છે. પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને ચેલેન્જ કરી છે કે, તમે બેલેટ પેપર મારફત ચૂંટણી કરાવો. દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડશે. જનતાનો સાચો મત કોની સાથે છે, તેની જાણ થઈ જશે.


પ્રિયંકા ગાંધીએ કહ્યું કે આજે ભાજપ ફક્ત લોકોને ડરાવવાનું કામ કરે છે. પ્રજા સત્ય બોલે તો તેમને ડરાવાય છે. ઈડી, સીબીઆઇના ફેક કેસ કરાય છે. કોંગ્રેસના નેતાઓને ડરાવવામાં આવે છે, જેલમાં નાખી દે છે પણ પ્રજાએ અવાજ ઉઠાવવામાં પીછેહઠ નથી કરી. ટીકા અને દેખાવ કરી જવાબ આપ્યો. જવાબ અને ન્યાય માગ્યો. આ હિમ્મત બંધારણે આપી. અભિવ્યક્તિની આઝાદી બંધારણે આપી છે. પ્રિયંકાએ તેમના ભાષણમાં અદાણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભાજપ સરકાર પણ અદાણીના નફાથી જ ચાલી રહી છે. અદાણીને ભાજપ સરકારે કોલ્ડ સ્ટોરેજ આપી દીધા. એક વ્યક્તિ માટે 142 કરોડ દેશવાસીઓની અવગણના કરી. બિઝનેસ, સંસાધન, પૈસા-ફંડ, બંદર, ઍરપૉર્ટ, રોડ, રેલવે પ્રોજેક્ટ, કારખાના, ખાણ, સરકારી કંપનીઓ પણ અદાણીને આપી દીધી. એટલા માટે આજ સુધી જે ગરીબ છે તે ગરીબ જ રહ્યા અને જે ધનિક છે તે વધુને વધુ ધનિક બની ગયા છે.