ટીમ ઈન્ડિયાના ૧૨ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાથી સીધા ન્યુઝીલેન્ડ પ્રવાસે જશે

November 12, 2022

એડિલેેડ : ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાંથી બહાર ફેંકાયેલી ટીમ ઈન્ડિયાના ૧૨ ખેલાડીઓ તો ઓસ્ટ્રેલિયાથી સીધા જ ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થઈ જશે. જ્યારે કેપ્ટન રોહિત અને સ્ટાર બેટસમેન કોહલી સહિતના સાત ખેલાડીઓ અલગ-અલગ ગૂ્રપમાં સ્વદેશ પરત ફરશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની દ્વિપક્ષિય ટી-૨૦ શ્રેણીનો પ્રારંભ ૧૮મી નવેમ્બરથી થશે.

ભારતે ટી-૨૦ વર્લ્ડકપ બાદ તરત યોજાઈ રહેલા ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની ટી-૨૦ ટીમમાં સ્ટાર ખેલાડીઓને આરામ આપ્યો હતો. રોહિત અને કોહલીની સાથે સાથે મોહમ્મદ શમી, કે.એલ. રાહુલ, દિનેશ કાર્તિક, આર. અશ્વિન અને અક્ષર પટેલ સ્વદેશ પરત ફરશે. ભારતીય ટીમના સૂત્રો જણાવે છે કે, જે ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાના છે, તેઓ અલગ-અલગ જુથમાં પાછા ફરવાના છે.

જ્યારે ઓસ્ટ્રેલિયાથી સીધા જ ન્યુઝીલેન્ડ પ્રવાસે જનારા ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, રિષભ પંત (વિ.કી.), હાર્દિક પંડયા, યઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્ષદીપ સિંઘ, શ્રેયસ ઐયર, રવિ બિશ્નોઈ, સિરાજ અને શાર્દૂલ ઠાકુરનો સમાવેશ થાય છે.

ન્યુઝીલેન્ડ પ્રવાસ માટેની ટી-૨૦ ટીમ : હાર્દિક (કેપ્ટન), પંત (વાઈસ કેપ્ટન, વિ.કી.), ગિલ, કિશન, હૂડા, સૂર્યકુમાર, ઐયર, સેમસન (વિ.કી.), સુંદર, ચહલ, કુલદીપ, અર્ષદીપ, હર્ષલ પટેલ, સિરાજ, બી.કુમાર અને ઉમરાન મલિક.